Ganesh Waterfall Valsad: વલસાડ જિલ્લામાં આવેલી સહ્યાદ્રીની ગિરિમાળાઓમાં ચોમાસાની સીઝન સાથે પ્રકૃત્તિ તેની સોળે કળાએ ખીલી ઉઠે છે. ગિરિકંદરાઓથી વહેતુ ખળખળ ઝરણાંને લીધે પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. ત્યારે ધરમપુર તાલુકામાં આવેલું માકડબંધ ગામે આવેલું ગણેશ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બે ડુંગરોની વચ્ચે વહેતો ધોધ અને હરિયાળા વાતાવરણને લીધે લોકો વીકેન્ડની રજાઓ માણવા માટે અહીં આવે છે.
ગણેશ ધોધ બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણ
ધરમપુરના માકડબંધ ગામે આવેલ ગણેશ ધોધ ચોમાસામાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. આ ધોધ સુધી પહોંચવા માટે એક કિમીની પગદંડીથી પસાર થવું પડે છે .વરસાદી માહોલમાં આ સ્થળ પ્રવાસીને અદ્ભુત રોમાંચનો અનુભવ કરાવે છે. આસપાસનું પ્રાકૃત્તિક સૌંદર્ય અને વહેતો ધોધ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
પ્રવાસીઓ માટે મીની કશ્મીરનો અહેસાસ
લીલીછમ વાદીઓ વચ્ચે વહેતા ગણેશ ધોધ પ્રવાસીઓને મિની કશ્મીરનો અહેસાસ કરાવે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ધોધને તેમના પૂર્વજો પાવલી ધોધ તરીકે ઓળખતા હતા. સમયાંતરે આ ધોધ લોકોમાં ગણેશ ધોધ તરીકે જાણીતો બન્યો હતો.આ વિસ્તારમાં રહેતા સ્થાનિક આદિવાસીઓ માટે આ ધોધ આસ્થાના પ્રતિક સમાન છે. અહીં સુધી પહોંચવા માટે વલસાડથી ધરમપુર થઈને માકડબન પહોંચી શકાય છે.વલસાડ એસ.ટી બસ સ્ટેન્ડથી ધરમપુર વચ્ચે આશરે 34 કિમીનું અંતર છે.
સ્થાનિકોને રોજગારી મળી તકો
શનિવાર અને રવિવારના રજાઓમાં પ્રવાસીઓ આ ગણેશ ધોધના પ્રાકૃત્તિક સૌદર્યને માણવા માટે આવતા હોય છે. ચોમાસાની સિઝનમાં 'ગણેશ ધોધ'ની લોકપ્રિયતામાં વધારો થતાં છેલ્લા ત્રણેક માસમાં અહીં રોજગારીની તકોનું સર્જન થયું છે.
ખાદ્ય સામગ્રી વેચતાં ધંધાર્થીઓને પ્રવાસીઓ આવતા રોજગારી મળી રહી છે. તેમજ પાર્કિંગથી પણ સ્થાનિકોને આવક મળી છે. માકડબંધ ગામ આદિવાસીઓની વસ્તી હોવાથી તેઓ પ્રકૃત્તિની પૂજા કરે છે. અંહીં ખાસ માવલી માતાની પૂજા કરવામાં આવે છે.
