Valsad News: વલસાડ જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા શંકાસ્પદ અને પ્રતિબંધિત એનાલોગ પનીરનું વેચાણ કરતાં વેપારીઓ વેપારીઓ સામે તત્રે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગની અલગ અલગ ટીમોએ વલસાડ શહેર સહિત જિલ્લાના તાલુકાઓમાં કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગેની ટીમોએ ધરમપુર, વાપી, વલસાડ, અને ઉમરગામ સહિતના તાલુકાઓમાં એકસાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વિવિધ ડેરીઓ, સ્વીટ્સ માર્કેટ અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડો પાડીને ચકાસણી કરવામાં આવી હતી.
75 કિલો એનાલોગ પનીરનો નાશ
આ વિશેષ તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સની ચકાસણી કરીને 75 કિલોથી વધુનો એનાલોગ પનીરનો જથ્થો કબજે કર્યો હતો અને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોગ્ય માટે જોખમી એવા ભેળસેળયુક્ત અને કૃત્રિમ પનીર સામે તંત્રની આકરા પગલાંની નીતિથી અસલીના નામે નકલી માલ વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણીઆપી છે કે, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે કડક પગલાં લેવાશે. દરોડા દરમિયાન મળેલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઇને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે આ પ્રકારની આકસ્મિક તપાસની ઝુંબેશ ચાલુ રખાશે.
