Valsad Auranga River Bridge Closed: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને ઔરંગા નદીમાં આવેલા પૂરને પગલે જર્જરિત બનેલા ઓરંગા રિવર બ્રિજને સુરક્ષાના કારણોસર તમામ પ્રકારના વાહનો તથા રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે.
પૂરના કારણે બ્રિજને થયું ભારે નુકસાન
તાજેતરમાં ઔરંગા નદીમાં અતિભારે પૂર આવવાના કારણે ઓરંગા રિવર બ્રિજને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પૂરના પાણીના ભારે પ્રવાહને કારણે બ્રિજના એપ્રોચનું ધોવાણ થઈ ગયું છે. બ્રિજની પાઈપ રેલીંગ, રિટર્ન વોલ, અબટ અને સ્લેબનાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. કોઈ હોનારત કે દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ વાહનો અને રાહદારીઓ માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.
જાહેર કરાયેલ વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકો અને નાગરિકો માટે ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે:
પ્રતિબંધિત માર્ગ: કસ્ટમ હાઉસ ટુ લીલાપોર જંકશન રોડ પર આવેલ ઓરંગા રીવર બ્રિજ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક રૂટ: લીલાપોરથી વલસાડ તરફ આવતા અને જતા તમામ વાહનોએ લીલાપોર કોસ્ટલ હાઇવે જંક્શન થઈને વલસાડ તરફ જવાનું રહેશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું
વલસાડ જિલ્લામાં સુરક્ષાના કારણોસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એસ. ડાભી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગના અહેવાલ અનુસાર, કસ્ટમ હાઉસ ટુ લીલાપોર જંક્શન રોડ પર આવેલો આ બ્રિજ ખૂબ જ જૂનો અને નબળો થઈ ગયો હતો. અગાઉ આ બ્રિજને માત્ર દ્વિચક્રી વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
વાહનચાલકો અને નાગરિકો પર થશે અસર
આ બ્રિજ બંધ થવાથી અને રૂટ ડાયવર્ટ થવાથી સ્થાનિક નાગરિકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લીલાપોર કોસ્ટલ હાઇવે જંક્શનથી ફરીને જવું પડતા વાહન ચાલકોને દરરોજ 2 થી 3 કિમીનો વધારાનો ફેરો પડશે. વધારાના ફેરાના કારણે નાગરિકોના ઇંધણ અને સમય બંનેનો વ્યય થશે.
વલસાડ શહેર અને આસપાસના ગામડા વચ્ચે અવરજવર કરતા કર્મચારીઓ, ફેક્ટરી વર્કર્સ અને વેપારીઓને રોજના રૂટ બદલાવાથી મુશ્કેલી વેઠવી પડશે. કસ્ટમ હાઉસ અને લીલાપોર વિસ્તારમાંથી વલસાડ તરફ ભણવા જતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ બસોને હવે કોસ્ટલ હાઈવેનો રૂટ લેવો પડશે. ઓરંગા બ્રિજનો તમામ ટ્રાફિક લીલાપોર કોસ્ટલ હાઈવે જંકશન પર ડાયવર્ટ થવાથી પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે.
