વલસાડમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયોઃ કપરાડામાં આણું વાળીને પરત ફરતા પરિવારની પીકઅપ પલટી, 6 મુસાફરોના મોત

આણું વળાવીને 28 લોકો પીકઅપમાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Apr 2026 05:04 PM (IST)Updated: Wed, 22 Apr 2026 05:47 PM (IST)
tragic-accident-in-valsad-6-dead-as-pickup-van-overturns-after-brake-failure
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 10 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મુસાફરોથી ભરેલી પીકઅપ વાન પલટી જતાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 10 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામનો પરિવાર લગ્ન પ્રસંગ નિમિત્તે કોલવેરા ગામમાં આણું વાળવા ગયા હતા. આણું વાળવાની વિધિ પતાવીને 28 મુસાફરો પીકઅપમાં ગિરનારા ગામે પરત ફરી રહ્યા હતા.

પિકઅપ વાન વીરક્ષેત્ર નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે ચઢાણ પર બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે બેકાબુ બનેલી પીકઅપ વાન ગુલાંટ ખાઈ ગઈ હતી.

આ અકસ્માતના પગલે રોડ મુસાફરોની મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે રેસ્ક્યુ માટે દોડી આવ્યા હતો. જેમાં પીકઅપ હેઠળ ચગદાઈ ગયેલા 6 મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

હાલ તો પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.