વાઘોડિયાના ગુલાબપુરા ગામે મહિલા મંડળ દ્વારા 'ગીતાંજલી દાળ મિલ'ની સ્થાપના, 10 બહેનોને ઘર આંગણે જ રોજગારી મળશે

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણઃ સખી મંડળની મહિલાઓએ રૂ. 20ની બચતથી શરૂ કરેલી યાત્રા રૂ. 20 લાખના રોકાણ સુધી પહોંચી!

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Feb 2026 03:16 PM (IST)Updated: Wed, 11 Feb 2026 03:16 PM (IST)
women-empowerment-success-story-gujarats-rural-women-launch-gitanjali-dal-mill-in-vadodara
HIGHLIGHTS
  • ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અપોલો ટાયર્સ ફાઉન્ડેશન અને સૃષ્ટિ ઓર્ગેનિક્સની અનોખી પહેલ

Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુલાબપુરા ગામે ‘આશા મહિલા મંડળ’ નામના સખી મંડળની બહેનોએ મહેનત અને ધગશથી ‘ગીતાજંલી દાળ મિલ’ની સ્થાપના કરી છે. ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અપોલો ટાયર્સની CSR પહેલ અંતર્ગત આજે આ મિની દાળ મિલ યુનિટનો સખી મંડળના પ્રમુખના હસ્તે વિશેષ અતિથિઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે.

આ દાળ મિલમાં તુવેર, ચણા અને ઘઉંની પ્રોસેસિંગની સુવિધા છે. દરરોજ તુવેર અને ચણાની સાત-સાત ક્વિન્ટલ તથા ઘઉંની તેર ક્વિન્ટલ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતું આ યુનિટમાં સ્થાનિક ખેડૂતો પાસેથી સીધું ધાન્ય ખરીદીને પ્રોસેસિંગ, ક્લિનિંગ, ગ્રેડિંગ અને પેકેજિંગ કરવામાં આવશે.

naidunia_image

કોર્પોરેટ સામાજિક જવાબદારી ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ‘મિશન મંગલમ’ જેવી યોજનાઓના લાભ થકી સખી મંડળે આ યુનિટ માટે રૂ. ૨૦ લાખનું રોકાણ કર્યું છે.

અપોલો ટાયર્સ ફાઉન્ડેશનના ‘નવ્યા’ પ્રોજેક્ટ અંતર્ગત અને સૃષ્ટિ ઓર્ગેનિક્સના ટેકનિકલ સહયોગથી આ એકમ કાર્યરત થતા જ ગામની સખી મંડળની ૧૦ બહેનોને ઘરઆંગણે રોજગારી મળવા ઉપરાંત તેઓ નેતૃત્વ લેવા માટે પણ સક્ષમ બનશે.

આ પહેલથી ગ્રામીણ વિકાસમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેશે. કૌશલ્ય વર્ધન સાથે મહિલા જૂથોને સ્વતંત્ર ઉદ્યોગ સાહસિક તરીકે પણ પ્રસ્થાપિત કરી શકાશે.

naidunia_image

વળી, આ યુનિટ દ્વારા સ્થાનિક ખેડૂતો પાસેથી સીધી જ જણસની ખરીદી વ્યાજબી ભાવે કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને બજાર શોધવા જવું પડશે નહીં અને તેમને ઘરઆંગણે જ પોષણક્ષમ ભાવ મળી રહેશે. કાચા માલનું અહીં જ મૂલ્યવર્ધન કરી તેનું બ્રાન્ડિંગ અને પેકેજિંગ કરવામાં આવશે, જેથી બજારમાં ઊંચી કિંમત મળી શકે.

‘ગીતાંજલી દાળ મિલ’ શુભારંભ કાર્યક્રમમાં કાર્યકારી જિલ્લા આજીવિકા મેનેજર રીનાબેન, બરોડા ડેરીના ડિરેક્ટર સતીષભાઈ, મદદનીશ બાગાયત નિયામક, વિસ્તરણ અધિકારી, ગામના સરપંચ, અપોલો ટાયર્સના પ્રતિનિધિઓ, સૃષ્ટિ ઓર્ગેનિક્સના પ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને મહિલા સાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓનું સશક્તિકરણ થશે, ખેડૂતોની આવક વધશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે. આશા મહિલા મંડળની બહેનોએ સખી મંડળથી શરૂ કરીને આવી સફળ સાહસિકતા સુધીનો પ્રવાસ પાર કર્યો છે, જે અન્ય સાહસિક મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે.