ગુજરાતમાં હવે ગ્રામ્ય કક્ષાએ પણ શરૂ થશે નારી અદાલતઃ પ્રાયોગિક ધોરણે 10 આદિજાતિ પંચાયતોની પસંદગી, અદાલતનું નેતૃત્વ મહિલા સરપંચ કરશે

ગુજરાત મહિલા આયોગની દરખાસ્ત બાદ નારી અદાલતોને વધુ સ્થાનિક બનાવવાનો પ્રયત્ન છે. હાલમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કાર્યરત 270થી વધુ નારી અદાલતોમાં 99% કેસોના નિકાલમાં સફળતા મળી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 22 Sep 2026 02:49 PM (IST)Updated: Tue, 22 Sep 2026 02:49 PM (IST)
gujarat-to-launch-nari-adalat-at-village-level-10-gram-panchayats-selected

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ‘નારીને ન્યાય’ અભિગમને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયત્ન કરી રહી છે અને આજ કડીમાં જિલ્લા અને તાલુકા કક્ષાબાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકારની મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે ન્યાય અને સશક્તિકરણની દિશામાં મહત્વની પહેલ તરીકે રાજ્ય સરકારે ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાયોગિક ધોરણે આવી નારી અદાલતો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કે 10 આદિજાતિ જિલ્લાઓની કુલ 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે. ખાસ બાબત એ છે કે પસંદ કરાયેલી તમામ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ નારી અદાલતની પહેલ આગળ વધશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને લગતા પ્રશ્નો ગ્રામ્ય કક્ષાએ જ સાંભળવાની અને ઉકેલ તરફ આગળ વધવાની વ્યવસ્થા ઊભી કરવાના આ પ્રયાસને મિશન શક્તિ સાથે જોડવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 10 નારી અદાલતો શરૂ કરવાની નવી બાબતને પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે રાજ્યમાં વર્ષ 2012-13માં તે વખતના મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી અદાલતોની શરુઆત કરાવી હતી અને હાલમાં રાજ્યમાં જિલ્લા-તાલુકા કક્ષાએ 270 જેટલી નારી અદાલતો કાર્યરત છે. આ અદાલતોમાં અત્યાર સુધી આવેલા 45000 કેસોમાંથી 44800 એટલે કે 99 ટકાથી વધુ કેસોનો નિકાલ કે સમાધાન કરવામાં આવ્યું. આમ જિલ્લા-તાલુકા કક્ષાએ મળેલી ભારે સફળતા બાદ હવે રાજ્ય સરકાર આ કૉન્સેપ્ટને ગ્રામ્ય કક્ષાએ લઈ જઈ રહી છે.

ગ્રામ પંચાયતોની પસંદગીમાં આદિજાતિ જિલ્લાઓને પ્રાથમિકતા

રાજ્ય સરકાર દ્વારા નારી અદાલત માટે પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં આદિજાતિ જિલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે કે જેથી આદિજાતિ સમુદાયની મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ ઝડપી ન્યાય મળી શકે. પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને ચીકદા પંચાયતો, દાહોદની સિંગવડ, લીમડી અને કાળીયા પંચાયતો, મહિસાગરની કોઠંબા પંચાયત, છોટા ઉદેપુરની કદવાલ પંચાયત, વાવ-થરાદની રાધાનેસડા પંચાયત, અરવલ્લીની શામળપુર પંચાયત તથા બનાસકાંઠા જિલ્લાની જલોદા પંચાયતનો સમાવેશ થાય છે.

આ પસંદગી સાથે રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નારી અદાલતના પ્રાયોગિક અમલની શરૂઆત માટે માર્ગ મોકળો થયો છે.

દસેય પંચાયતોમાં મહિલા સરપંચ

આ પહેલની વિશેષ બાબત એ છે કે પસંદ કરાયેલી તમામ 10 ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે મહિલાઓ જ છે. આમ સરકારે સામાજિક ન્યાયની પુરતી વ્યુહરચના સાથે આદિજાતિ જિલ્લાઓ અને તેમાં પણ મહિલા સરપંચનું નેતૃત્વ ધરાવતી પંચાયતોની પસંદગી નારી અદાલત માટે કરી છે. તેમાં ગરુડેશ્વરમાં સરોજબહેન બાબુભાઈ વસાવા, ચીકદામાં લતાબેન મહેન્દ્રભાઈ વસાવા, સિંગવડમાં લખીબેન બાલુભાઈ વહોનિયા, લીમડીમાં શીલાબેન વિજયકુમાર મોરી, કાળિયામાં પુષ્પાબેન ભાવિનભાઈ મછાર, કોઠંબામાં નીતાબેન વિશાલકુમાર પટેલ, કદવાલમાં ઉજલીબેન હમસિંગભાઈ રાઠવા, રાધાનેસડામાં લક્ષ્મીબેન દેવજીભાઈ કોળી, શામળપુરમાં સંગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ અને જલોત્રામાં ગલબીબેન મહેશભાઈ ચૌધરી સરપંચ છે.

એટલે કે મહિલાઓના પ્રશ્નો માટેની નારી અદાલત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પંચાયતનું મહિલા નેતૃત્વ; બંને એક જ મંચ પર આવશે.

ગામની મહિલાના પ્રશ્નો ગામમાં જ સાંભળવાનો પ્રયાસ

નારી અદાલતની આ પ્રાયોગિક પહેલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયત કક્ષાએ મહિલાઓ માટે પ્રશ્નો રજૂ કરવા અને તેના ઉકેલ તરફ આગળ વધવા માટે સ્થાનિક મંચ ઊભો કરવાનો પ્રયાસ છે. આ પહેલ પ્રાયોગિક ધોરણે શરૂ થતી હોવાથી પસંદ કરાયેલી પંચાયતોમાં મળતા અનુભવો આગળની કામગીરી માટે મહત્વપૂર્ણ બની શકે છે.

મહિલા આયોગની દરખાસ્ત બાદ સરકારનો નિર્ણય

નારી અદાલત શરૂ કરવાની પહેલને આગળ ધપાવવામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગની ભૂમિકા પણ મહત્વની રહી છે. આયોગે જ 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરવાની દરખાસ્ત કરી હતી. સરકાર દ્વારા વિચારણા કરાયા બાદ હવે આ 10 ગ્રામ પંચાયતોની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.

પંચાયત કક્ષાએ મહિલા સશક્તિકરણને નવું મંચ

ગુજરાતમાં ગ્રામ પંચાયત કક્ષાએ નારી અદાલતની પ્રાયોગિક શરૂઆતને મહિલા સશક્તિકરણની દિશામાં એક નવી વ્યવસ્થાના પ્રયોગ તરીકે જોઈ શકાય છે. ગામની મહિલાને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે સ્થાનિક કક્ષાએ જ એક મંચ મળે અને મહિલાઓના પ્રશ્નોને સ્થાનિક કક્ષાએ સાંભળવાની પ્રક્રિયા મજબૂત બને; આ વિચારને હવે 10 પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં અમલમાં મૂકવાનો તબક્કો શરૂ થશે.

હવે આ 10 ગ્રામ પંચાયતોમાં નારી અદાલતનો પ્રાયોગિક અમલ કેવી રીતે આગળ વધે છે અને ગ્રામ્ય મહિલાઓને તેનો કેટલો લાભ મળે છે તેના પર સૌની નજર રહેશે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ગામની મહિલાના પ્રશ્નોને ગામના કક્ષાએ જ સાંભળવાનો પ્રયાસ હવે સરકારી પહેલના રૂપમાં આગળ વધ્યો છે.