Vadodara News: પત્નીની ઘાતકી હત્યાના ગુનામાં સાત વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ રજા પૂર્ણ થયા બાદ જેલમાં પરત હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલો પાકા કામનો કેદી આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો અને હ્યુમન સોર્સના આધારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેવરીયા ગામના ખેતરોમાંથી આરોપીને ઝડપી પાડી ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી રમેશ મનુ નાયકે વર્ષ 2022માં પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી, લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી હત્યા કેસમાં અદાલતે તેને દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, ત્યારથી તે વડોદરા મધ્યસ્થ જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો.
આ પણ વાંચો
દરમિયાન, ગત 7 મેના રોજ આરોપી રમેશ નાયકને જેલમાંથી સાત દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. નિયમ મુજબ તેને 15 મેના રોજ વડોદરા મધ્યસ્થ જેલમાં પરત હાજર થવાનું હતું. જો કે, જેલના સળિયા પાછળ પાછા ફરવાને બદલે આરોપી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો અને કાયદાની પકડથી બચવા નાસતો-ફરતો હતો.
ખેતરોમાં વહેલી સવારે વોચ ગોઠવી, 1 કિલોમીટર પાછળ દોડી પોલીસે પકડ્યો
ડીસીપી હિમાંશુ કુમાર વર્માના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેરોલ જમ્પ કરનારા કેદીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રમેશ કાલોલ નજીક આવેલા નેવરીયા ગામના ખેતરોમાં છુપાઈને મજૂરી કામ કરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહેલી સવારે જ સઘન વોચ ગોઠવી દીધી હતી.
પોલીસની ટીમ નજીક પહોંચતા જ આરોપી રમેશે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતર્ક પોલીસ જવાનોએ ખેતરોની વચ્ચે જ આશરે એક કિલોમીટર સુધી તેની પાછળ દોડીને તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને ફરીથી વડોદરા મધ્યસ્થ જેલના હવાલે કરી દીધો છે. પોલીસે સમયસર બતાવેલી તત્પરતા અને ફિલ્મી ઢબે કરેલા પીછાની લોકમુખે પ્રશંસા થઈ રહી છે.
