ગોરવામાં મધુનગર કેનાલમાંથી મળ્યો મૃતદેહ, ધંધાકીય ભાગીદારે જ હત્યા કર્યાનો ખુલાસો; જાણો સમગ્ર મામલો

પોલીસે મૃતકના ભાગીદાર એવા ઉત્તર પ્રદેશના રહેવાસી સુફિયાન અબ્દુલ સત્તારને ઝડપી પાડ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 11:42 PM (IST)Updated: Tue, 27 Oct 2026 11:42 PM (IST)
gorwa-madhunagar-canal-murder-case-business-partner-arrest-vadodara-police

Vadodara Crime News: વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં થયેલા મનદુઃખના કારણે હત્યા થયાની ઘટના સામે આવી છે. ગોરવા પોલીસે ઉત્સાહ અને કુનેહ દાખવીને ગણતરીના કલાકોમાં જ આ હત્યાના ભેદને ઉકેલી નાખ્યો છે, અને મૃતકના ધંધાકીય ભાગીદાર એવા ઉત્તર પ્રદેશના રહેવાસી આરોપી સુફિયાન અબ્દુલ સત્તારને ઝડપી પાડ્યો છે.

મૂળ ઉત્તર પ્રદેશના અને વડોદરામાં રહીને ધંધો કરતા મનમોહનસિંહ સંજયસિંહની હત્યા તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક મનમોહનસિંહ અને આરોપી સુફિયાન અબ્દુલ સત્તાર સિદ્દીકી સાથે મળીને ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી મૃતક મનમોહનસિંહ સમયસર દુકાને પહોંચતા ન હતા, જેને લઈને આરોપી સુફિયાનના મનમાં ભારે રોષ અને મનદુઃખ પ્રવર્તી રહ્યું હતું.

નાની બાબતે પાછળ વેરની ભાવના એટલી વધી કે તેણે પોતાના જ ભાગીદારની જીવ લઈ લીધો. ઘટનાની રાત્રે આરોપી સુફિયાન સીધો જ મૃતક મનમોહનસિંહના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી કરી અને બાદમાં બળજબરીથી તેમને પોતાના બાઈક પર બેસાડીને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયો હતો. આરોપી તેમને મધુનગર કેનાલ પાસે લઈ ગયો હતો.

આરોપીએ મનમોહનસિંહને કેનાલના વહેતા પાણીમાં ધક્કો મારી દીધો હતો. પાણીના ભારે પ્રવાહમાં ડૂબી જવાથી મનમોહન સિંહનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી બાજુ, પરિવારજનો અને પોલીસને ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સનો સહારો લીધો હતો.

આસપાસના વિસ્તારમાં CCTV ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરી અને બાતમીદારોની સચોટ માહિતીના આધારે તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી હતી. પોલીસે કેનાલની આસપાસ આશરે 10 કિલોમીટરના લાંબા વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનના અંતે કેનાલના પાણીમાંથી મૃતક મનમોહન સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી સુફિયાન અબ્દુલ સત્તાર સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે. માત્ર એક સામાન્ય ધંધાકીય મનદુઃખ અને સમયસર દુકાને ન પહોંચવાની બાબતે ભાગીદાર જ જ્યારે દુશ્મન બની જાય છે, ત્યારે આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.