Vadodara New Mayor: વડોદરા શહેરના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની જાહેરાત, જાણો તેમની રાજકીય સફર

વડોદરાના નવા મેયર ગીતાબેન ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 28 May 2026 01:28 PM (IST)Updated: Thu, 28 May 2026 02:13 PM (IST)
who-is-geetaben-makwana-new-mayor-of-vadodara-education-career-and-profile
HIGHLIGHTS
  • LLB ડિગ્રીધારક છે ગીતાબેન મકવાણા
  • વોર્ડ નંબર 13 માંથી ભાજપના કોર્પોરેટર

Who Is Geetaben Makwana, Vadodara Mayor: વડોદરા શહેરને આજે નવા મહિલા મેયર મળી ગયા છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન મકવાણાની જાહેરાત કરવામાં આવી છે. શહેરને નવા મહિલા મેયર મળતા લોકો ઉત્સુકતાથી જાણી રહ્યા છે કે ગીતાબેન મકવાણા કોણ છે. આજે અમે અહીં તમને તેમના વિશે જણાવીશું.

સામાન્ય પરિવારના શિક્ષિત મહિલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના એકનિષ્ઠ અને પાયાના કાર્યકરોની કદર કરવાની પરંપરાને જાળવી રાખીને આ વખતે એક સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા મહિલા નેતાને શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન સોંપ્યું છે. વડોદરા શહેરના મેયર તરીકે ગીતાબેન મકવાણાની જાહેરાત કરવામાં આવી છે. 

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગીતાબેન મકવાણા વોર્ડ નંબર 13 માંથી ભાજપ (BJP) ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થયો હતો અને તેમને 14,662 મતો મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના કુલ 19 વોર્ડમાં 76 બેઠકો હતી, જેમાંથી 69 બેઠક ભાજપે કબજે કરી હતી. ચૂંટણી પરિણામો જાહેર થયાના બરાબર એક મહિના પછી આજે વડોદરામાં મેયરની વરણી કરવામાં આવી છે.

ચોકલેટ કેબિનથી મેયર પદ સુધીની સફર

ગીતાબેન મકવાણાની જીવનશૈલી અત્યંત સાદી અને પ્રેરણાદાયી છે. તેઓ વ્યવસાયે પોતાના ઘરની બહાર એક નાની ચોકલેટ કેબિન ચલાવે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલા આજે વડોદરા જેવા કલાનગરી અને સંસ્કારી નગરીના મેયર પદ સુધી પહોંચ્યા છે, જે ભાજપની કાર્યકર-લક્ષી રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમના પરિવારમાં તેમના સાસુ, એક દીકરી અને એક દીકરો છે.

પતિની 30 વર્ષની સેવાનું મળ્યું ફળ

રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, ગીતાબેન મકવાણા માત્ર બે વર્ષ પહેલાં જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. જોકે, તેમના પતિ ઉમેશભાઈ મકવાણા છેલ્લા 30 વર્ષથી સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે ભાજપમાં સેવા આપી રહ્યા છે. પતિની આ લાંબી રાજકીય સફર અને પક્ષ પ્રત્યેની વફાદારીની હાઈકમાન્ડે યોગ્ય કદર કરી છે, અને ગીતાબેનને મેયર જેવી મહત્વની જવાબદારી સોંપીને આખા પરિવારને મોટું બહુમાન આપ્યું છે.

ગીતાબેન મકવાણાની શૈક્ષણિક લાયકાત

વડોદરાના નવા મેયર ગીતાબેન ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેઓ વહીવટી પ્રક્રિયાઓ અને નગરપાલિકાના નિયમોને વધુ સારી રીતે સમજીને નગરજનોના પ્રશ્નોને વાચા આપી શકશે તેવી આશા રાખવામાં આવી રહી છે. 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા ગીતાબેન પરિપક્વ અને કુશળ નેતૃત્વ પૂરું પાડવા સક્ષમ છે.

  • વર્ષ 2018 માં અમદાવાદની ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી
  • એપ્રિલ 2022 માં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી LLB ની ડીગ્રી 

મેયર ગીતાબેન મકવાણા પાસે કેટલી સંપત્તિ છે?

ચૂંટણી સમયે રજૂ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, ગીતાબેન મકવાણાની સંપત્તિની વિગતો આ પ્રમાણે છે:

  • તેમની પાસે હાથ પર 15,000 રૂપિયા રોકડા છે.
  • તેમની બેંક થાપણો 45,371 રૂપિયા છે.
  • સોનાની વાત કરીએ તો ગીતાબેન પાસે 7 તોલા સોનું છે, જ્યારે તેમના પતિ પાસે 3 તોલા સોનું છે.
  • મેયર ગીતાબેન મકવાણા પાસે એક જ્યુપીટર (Jupiter) સ્કૂટર છે.