વડોદરાની વિશ્વામિત્રી નદીનું થશે નવસર્જન! રૂ.120 કરોડનાં કામ પૂર્ણ, હવે પૂર સામે મળશે સુરક્ષા!

વડોદરાની જીવાદોરી વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ' હેઠળ ₹120 કરોડના કાર્યો પૂર્ણ. ડી-સિલ્ટીંગ બાદ નદીની વહન ક્ષમતા 750થી વધીને 1100 ક્યુમિક થઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 03:07 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:07 PM (IST)
vishwamitri-river-revival-project-vadodara-flood-control-120-crore-works-completed

Vadodara News: વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા અને ભવિષ્યમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિથી શહેરને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ' અંતર્ગત વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ટૂંકા ગાળાના આયોજન સહિત રૂ. 120 કરોડના વિવિધ વિકાસ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે, જેનાથી નદીની વહન ક્ષમતામાં મોટો વધારો થયો છે.

નદીની ક્ષમતામાં વધારો અને સફાઈ અભિયાન

પ્રોજેક્ટના ટૂંકા ગાળાના આયોજન હેઠળ નદીમાં રિવર ડી-સિલ્ટીંગ (કાંપ કાઢવાની કામગીરી) અને રી-સેક્સનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આના પરિણામે વિશ્વામિત્રી નદીની પાણી વહન કરવાની કેપેસિટી અગાઉના 750 ક્યુમિકથી વધીને હવે 1100 ક્યુમિક થઈ ગઈ છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં આવેલા તમામ વરસાદી કાંસોની સફાઈ ઝુંબેશ હાથ ધરીને 180 કિલોમીટર લંબાઈના કાંસોને સાફ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ કામગીરી પાછળ રૂ. 50 કરોડ અને નદી પાછળ રૂ. 70 કરોડ એમ કુલ રૂ. 120 કરોડના કાર્યો પૂરા થયા છે.

જળ સંચય અને સંરક્ષણાત્મક કાર્યો

વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને જમીનનું ધોવાણ અટકાવવા માટે દેણા ખાતે સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાંથી 50 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે. આ સાથે વિવિધ સ્થળોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસાવાઈ છે અને નદીના કિનારે તેમજ પુલની આસપાસ જમીનનું ધોવાણ અટકાવવા માટે રૂ. 70 કરોડના ખર્ચે 'ગેબિયન વોલ' બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પૂર નિયંત્રણ માટે ડાયવર્ઝન અને અત્યાધુનિક ટેકનોલોજી

વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે એક મહત્વપૂર્ણ આયોજન અંતર્ગત નદીનું વધારાનું પાણી ડાયવર્ઝન કરીને મિનિ નદીમાં અને ત્યારબાદ મહીસાગર નદીમાં મોકલવામાં આવશે. સાથોસાથ, આગોતરા આયોજનના ભાગરૂપે એક અત્યાધુનિક 'ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ' સોફ્ટવેર બનાવવાનું પણ આયોજન છે, જેના દ્વારા જે વિસ્તારમાં વધુ વરસાદ પડશે ત્યાં નદીનું પાણીનું સ્તર કેટલું વધશે તેની ચેતવણી સમયસર મળી રહેશે.

નવલવાલા કમિટીના સૂચનો અને આગામી આયોજન

નવલવાલા કમિટીના 11 ટૂંકા ગાળાના અને 4 લાંબા ગાળાના સૂચનો પૈકી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે સિંચાઈ અને VMC ના માત્ર 3 સૂચનો અંતર્ગત કોટંબી અને ભણિયારા ખાતે તળાવ નિર્માણ, વડદલા, હરીપુરા અને ધનોરા ખાતે ગેટ સ્ટ્રક્ચર અને પાળો બનાવવાની કામગીરી બાકી છે.

આગામી સમયમાં વિશ્વામિત્રી નદીમાં ફોરેસ્ટ પ્લાન્ટેશનની કામગીરી, ઢાઢર નદીમાં બેરેજ નિર્માણ, ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન નાખવી તેમજ પ્રતાપપુરા ડેમ પર ગેટ સ્ટ્રક્ચર અને પાળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વર્ષ 2016માં 16 કિમી વિસ્તાર માટે રૂ. 1215 કરોડનો રિવરફ્રન્ટ બ્યુટિફિકેશનનો ડીપીઆર તૈયાર કરાયો હતો. આ તમામ કાર્યો પૂર્ણ થવાથી વડોદરાવાસીઓને પૂરના જોખમમાંથી કાયમી મુક્તિ મળશે અને નદીનું નવસર્જન થશે.