વડોદરા જિલ્લાની 1291 ‘વહાલી દીકરી’ઓને રૂ. 51.64 લાખની સહાય, જાણો કેવી રીતે અરજી કરશો...

“વહાલી દીકરી” યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂ. 1.10 લાખની આર્થિક સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Jan 2026 09:59 AM (IST)Updated: Tue, 20 Jan 2026 09:59 AM (IST)
vahali-dikri-yojanahow-to-apply-vadodara-district-1291-beneficiary-get-assistance
HIGHLIGHTS
  • “વહાલી દીકરી” યોજના હેઠળ લાભાર્થી દીકરીને મળશે આર્થિક સહાય
  • ત્રણ તબક્કામાં રૂ. 1.10 લાખની આર્થિક સહાય આપવામાં આવશે
  • વડોદરા જિલ્લામાં કુલ 13,248 દીકરીઓએ લીધો આ યોજનાનો લાભ

Vahali Dikri Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે શરૂ કરેલી “વહાલી દીકરી” યોજનાના લાભ હવે મળવા શરૂ થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓએ હવે ધોરણ-1માં પ્રવેશ મેળવતા પ્રથમ તબક્કાની સહાય આપવામાં આવશે. 

“વહાલી દીકરી યોજના”

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનને મજબૂતી આપવા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019 માં “વહાલી દીકરી” યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂ. 1.10 લાખની આર્થિક સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 1291 દીકરીઓને રૂ. 51.64 લાખની સહાય આપવામાં આવશે, જેને લઈ લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કુલ રૂ. 1.10 લાખની આર્થિક સહાય

દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ લે ત્યારે રૂ. 4,000, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. 6,000 તથા દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂ. 1 લાખની સહાય આપવામાં આવે છે. જો કે, અંતિમ તબક્કાની સહાય મેળવવા માટે દીકરીનું બાળલગ્ન ન થયું હોવું ફરજિયાત છે.

વડોદરા જિલ્લામાં 13,248 લાભાર્થી દીકરીઓ

યોજનાની શરતો અનુસાર દીકરીના જન્મ પછી એક વર્ષમાં અરજી કરવાની રહે છે. વડોદરા શહેર અને જિલ્લામાં હાલ સુધીમાં કુલ 13,248 દીકરીઓની અરજી “વહાલી દીકરી” યોજના હેઠળ મંજૂર થઈ ચૂકી છે. વધુમાં વધુ પાત્ર દીકરીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુસર વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

naidunia_image

અરજી કેવી રીતે કરવી?

આ ઝુંબેશ અંતર્ગત મામલતદાર કચેરી, ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ VEC પાસેથી અરજી ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અરજદારો https://emahilakalyan.gujarat.gov.in/ વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી પણ કરી શકે છે, જેથી અરજી પ્રક્રિયા સરળ અને ઝડપી બને.

આ દસ્તાવેજો સાથે રાખો...

અરજી કરતી વખતે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત છે. “વહાલી દીકરી” યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વડોદરા ખાતે સંપર્ક કરી શકાય છે. આ માટે સંપર્ક નંબર 0265-2780280 જાહેર કરવામાં આવ્યો છે.