વડોદરામાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ, માંજલપુરના પાર્થ પટેલે શ્રીજીની અતિપ્રિય ‘દુર્વા’માંથી બનાવી મનોહર પ્રતિમા

વડોદરાના માંજલપુરના પાર્થ પટેલે શ્રીજીની અતિપ્રિય ‘દુર્વા’માંથી મનોહર ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવી. તિરૂપતિ બાલાજી મંદિરની થીમ પર તૈયાર ભવ્ય મંડપ કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 02:10 PM (IST)Updated: Wed, 16 Sep 2026 02:10 PM (IST)
vadodaras-partha-patel-crafts-ecofriendly-durva-ganesh-idol

Ganesh chaturthi 2026: વડોદરાના માંજલપુર વિસ્તારમાં મકરપુરા રોડ પર આવેલી કબીર કોમ્પ્લેક્ષ સોસાયટીમાં રહેતા કૃષ્ણપ્રિય અને ભાવિક ભક્ત પાર્થ રોહિતભાઈ પટેલ છેલ્લા એક દશકથી અનોખી રીતે ગણેશ ઉત્સવ ઉજવીને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે. પાર્થ પટેલ વર્ષ 2016થી ભગવાન શ્રીજીની પ્રિય સામગ્રીઓમાંથી ઇકો-ફ્રેન્ડલી પાર્થિવ પ્રતિમા જાતે બનાવીને પરિવારજનો સાથે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરે છે.

દુર્વાના ઉપયોગથી બનાવી શ્રીજીની મૂર્તિ

આ વર્ષે તેમણે વિઘ્નહર્તા ગણેશજીને અતિપ્રિય એવી 'દુર્વા' (ધરો)નો ઉપયોગ કરીને શ્રીજીની અત્યંત આકર્ષક અને મનોહર પ્રતિમાનું નિર્માણ કર્યું છે. પ્રતિમાની સાથે સાથે તેમણે આ વર્ષે ગૃહ સજાવટમાં દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરની થીમ પર આધારિત એક ભવ્ય મંદિરનું મોડેલ પણ તૈયાર કર્યું છે. આ દર્શનીય મંડપમાં ભગવાન વેંકટેશ્વરની સાથે શ્રીજી વિરાજમાન થયા છે, જે હાલ સ્થાનિક રહીશો અને વડોદરાના શહેરીજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

ઉલ્લેખનીય છે કે, પાર્થ પટેલ દર વર્ષે ગણેશ ઉત્સવમાં કંઈક નવું અને પર્યાવરણપૂરક નિર્માણ કરવા માટે જાણીતા છે. ભૂતકાળમાં તેમણે સિંદૂર, હળદર, કુમકુમ, ગુલાલ, ડ્રાયફ્રૂટ, સોપારી, ગોળ, ઘઉં, અક્ષત ( ચોખા) તથા પવિત્ર ગૌમાતાના ગોબર જેવી ધાર્મિક દ્રષ્ટિએ શુદ્ધ અને શ્રીજીને પ્રિય એવી વિવિધ વિશિષ્ટ સામગ્રીઓનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે.

સમાજ માટે ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ

સ્થાપત્ય અને ભક્તિનો આ અદભુત સંગમ જોઈને દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. પ્લાસ્ટિક કે પી.ઓ.પી. (પી.ઓ.પી. - પ્લાસ્ટર ઓફ પેરિસ) જેવી પર્યાવરણને નુકસાન પહોંચાડતી સામગ્રીનો ત્યાગ કરીને કુદરતી ઘટકોમાંથી ભગવાનની શ્રદ્ધામય મૂર્તિ બનાવવાની તેમની આ પદ્ધતિ સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.