Vadodara: GETCO ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી વિવાદ, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી નિમણૂકની માગ સાથે યુવાનોનો હલ્લાબોલ

GETCO Electrical Assistant ભરતીમાં 273 જગ્યાના પ્રથમ અલોટમેન્ટ સામે ઉમેદવારોનો વિરોધ કર્યો છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી 4,000થી વધુ કાયમી નિમણૂકની માગ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 02:41 PM (IST)Updated: Wed, 16 Sep 2026 02:41 PM (IST)
vadodara-news-getco-electrical-assistant-recruitment-controversy-permanent-job-demand

Vadodara News: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને સમગ્ર રાજ્યના ઉમેદવારોમાં ભારે રોષની લાગણી જન્મી છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા મોટી સંખ્યામાં યુવાનોએ શહેરના આંબેડકર સર્કલ અને વિદ્યાભવન ગેટ આગળ એકત્રિત થઈ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોએ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉગ્ર વિરોધ કરી કાયમી સરકારી નોકરી આપવાની પ્રબળ માંગ કરી છે.

ઉમેદવારોમાં અસંતોષની લાગણી ફેલાઈ

પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026માં લેવાયેલી પરીક્ષામાં 5600થી વધુ ઉમેદવારો સામે માત્ર 273 જગ્યાઓ માટે જ પ્રથમ અલોટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. ભૂતકાળમાં 8,000 જેટલી નવી જગ્યાઓ પર ભરતી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં, માત્ર 271 જગ્યાઓનો જ પહેલો રાઉન્ડ જાહેર થતાં યુવાનો સાથે અન્યાય થયો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં યુવાનોમાં અસંતોષ ફેલાયો છે.

ઉમેદવારોએ તંત્ર સામે માગણીઓ મૂકી

આ આંદોલન સમેટી લેવા માટે યુવાનોએ તંત્ર સમક્ષ કેટલીક સ્પષ્ટ માગણીઓ મૂકી છે, જેમાં વીજ કંપનીઓમાં ચાલતું ખાનગીકરણ અટકાવી 4,000થી વધુ પદો પર કાયમી નિયુક્તિ કરવી મુખ્ય છે. આ ઉપરાંત, જ્યાં સુધી મેરિટ લિસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતીની સમયમર્યાદા વધારવા અને આગળના રાઉન્ડ તથા ઓર્ડર આપવાની તારીખો અંગે તંત્ર સત્તાવાર સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

માગણીઓનો ઉકેલ નહીં આવે તો પ્રદર્શનની ચીમકી

સ્થાનિક આગેવાનો અને ગુજરાતના વિવિધ ઝોનમાંથી આવેલા યુવાનોએ ચીમકી આપી છે કે, જો તંત્ર દ્વારા તેમની આ વાજબી માગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે અને વહેલી તકે નિમણૂક પત્રો આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ આક્રમક બનાવીને ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવશે.