વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ: 90 રસ્તાઓ બંધ, 12 વિસ્તારો નો-પાર્કિંગ ઝોન ઘોષિત

વડોદરામાં ગણેશ વિસર્જન 2026ને લઈને ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 18, 20, 23 અને 25 સપ્ટેમ્બરે 90 રસ્તાઓ બંધ, 12 નો-પાર્કિંગ ઝોન અને ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 03:39 PM (IST)Updated: Wed, 16 Sep 2026 03:39 PM (IST)
vadodara-ganesh-visarjan-traffic-rules-90-roads-closed-12-no-parking-zones

Vadodara News: વડોદરામાં વિઘ્નહર્તા દેવ શ્રીજીના આગામી વિસર્જન પર્વને નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગણેશ વિસર્જન દરમિયાન શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને ભક્તોને અગવડ ન પડે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા એક વિસ્તૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ 18, 20, 23 અને 25 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન શહેરના તમામ 11 કૃત્રિમ તળાવો ખાતે થનારા વિસર્જન માટે વિશેષ વાહન વ્યવહાર અને ડાયવર્ઝન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે.

ગણેશ વિસર્જનને લઈને ખાસ જાહેરનામું

જાહેરનામાની વિગતો અનુસાર, વિસર્જનના ચારેય દિવસોમાં સવારે 9:00 વાગ્યાથી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કડક ટ્રાફિક નિયંત્રણો લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરના આશરે 90 જેટલા મુખ્ય અને આંતરિક માર્ગો સામાન્ય વાહનો માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. તે ઉપરાંત 12 મહત્વના સ્થળોને નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 12 જેટલા મુખ્ય રસ્તાઓ પર એસ.ટી. બસો અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર આકરો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં, શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી ગણેશ મંડળોના ડી.જે. વાહનો માટે પણ ચોક્કસ રૂટ પર પ્રવેશબંધી નક્કી કરાઈ છે.

11 કૃત્રિમ તળાવોની સુવિધા ઊભી કરાઈ

શહેર નિગમ દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે 11 કૃત્રિમ તળાવોની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં ગોરવા દશામા મંદિર, નવલખી ગ્રાઉન્ડ, બીલ ગામ, SSV-૨, માંજલપુર, કિશનવાડી UPHC, લેપ્રેસી ગ્રાઉન્ડ અને હરણી-સમા તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મૂર્તિના કદ મુજબ વ્યવસ્થા જાળવવા તરસાલી તથા મકરપુરા ગામના તળાવમાં ૫ ફૂટથી મોટી અને હરણી સ્કલ્પચર પાર્ક તળાવ ખાતે ૩ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ માટે જ વિસર્જનની જોગવાઈ કરાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરી

પોલીસ તંત્ર દ્વારા નાગરિકો, વાહનચાલકો અને ગણેશ મંડળોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ મુશ્કેલીથી બચવા માટે નિયત કરાયેલા વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝનનો ઉપયોગ કરે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સૂચિત રોડ પરથી માત્ર ઇમરજન્સી સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અન્ય વાહનો માટે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.