Vadodara News: વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી ચાંપાનેર દરગાહ નજીક આજે એક ચોંકાવનારી ઘટના બની છે. વર્ષ 2006 માં થયેલા ડિમોલેશન અને ત્યારબાદ ફાટી નીકળેલા કોમી તોફાનોને પગલે સુરક્ષા ખાતર દરગાહ પાસે કાયમી ધોરણે મુકાયેલા પોલીસ વાહન પર એક યુવક અચાનક ચડી અને જાહેરમાં હંગામો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં કુતુહલનો માહોલ સર્જાયો હતો.
ઐતિહાસિક સંદર્ભ અને પોલીસ વાહનની તૈનાતી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006 માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાનાદબાણમાં આવતી ચાંપાનેર દરગાહ પર ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ શહેરમાં તોફાન અને હિંસા ફાટી નીકળ્યા હતા. ડિમોલેશન બાદ આ સંવેદનશીલ સ્થળે ફરી કોઈ નવું દબાણ કે અશાંતિ ન સર્જાય તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા ત્યારથી જ દરગાહ પાસે સુરક્ષા અર્થે બે પોલીસ વાહન કાયમી ધોરણે તૈનાત રાખવામાં આવ્યા છે.
પોલીસ વાહન પર ચડી અજાણ્યા યુવકે કર્યો હંગામો
સુરક્ષા અર્થે ઉભેલા આ જ પોલીસ વાહનોમાંથી એક વાહન પર અચાનક એક યુવક ચડી ગયો હતો. વધુમાં, યુવક ગાડીની છત પર અજીબોગરીબ ધતિંગ કરવા લાગ્યો હતો. યુવકની આવી શંકાસ્પદ હરકતો અને વિચિત્ર વર્તનને કારણે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે યુવકે નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હોવાની શક્યતા છે.
આ સમગ્ર બનાવનો વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કર્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વાહન પર જ યુવકના આ પ્રકારના કૃત્યથી સમગ્ર શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આ યુવક કોણ છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તે અંગે પોલીસે તપાસ બાદ સામે આવશે.
