વડોદરા: વરસાદ પડતા જ વન્યજીવો બહાર નીકળ્યા, રેલવે ટ્રેક પરથી મગર તથા શાળા પાસેથી 7 ફૂટના અજગરનું સફળ રેસ્ક્યુ!

વડોદરા વન વિભાગ દ્વારા તમામ વન્યજીવોને પ્રાકૃતિક પરિવેશમાં સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 03:26 PM (IST)Updated: Mon, 14 Sep 2026 03:26 PM (IST)
vadodara-wildlife-rescue-two-crocodiles-seven-feet-python-railway-track-school
વડોદરા મગરનું રેસ્ક્યુ

Vadodara Wildlife Rescue: વડોદરા જિલ્લામાં વરસાદ શરૂ થતા જ માનવ વસાહત અને જાહેર સ્થળોની નજીક વન્યજીવો આવી પહોંચવાની ઘટનાઓ સામે આવી છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ત્વરિત કામગીરી કરીને મગર અને અજગર સહિતના વન્યજીવોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યા છે.

પ્રથમ ઘટનામાં, રાત્રીના આશરે સાડા નવ વાગ્યાના સુમારે કેલનપુર રેલવે સ્ટેશન નજીક ફાટક પાસે આશરે પાંચ ફૂટ લાંબો મગર રેલવે ટ્રેક પર આવી ચડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને વન વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પરમારની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રેન વ્યવહાર અને સ્થાનિકોની સલામતી ધ્યાને રાખી, આશરે એક કલાકની ભારે જહેમત બાદ મગરને સહી-સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો.

બીજી ઘટનામાં, વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં જાળીમાં ફસાયેલા 3 ફૂટના નાના મગરનું નેચર હેલ્પ ફાઉન્ડેશનના હેમંત વઢવાણાની સૂચનાથી સંદીપ ગુપ્તા અને મુકુંદ પરમારની ટીમે વન વિભાગના RFO સાથે રહીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

તદુપરાંત, વડોદરા નજીક રામપુરા ગામની પ્રાથમિક શાળા પાસે આશરે છથી સાત ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક નાગરિક રાજકુમાર ગોહિલની જાણ બાદ સંસ્થાના કાર્યકર અર્જુન પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બાળકો અને ગ્રામજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ટીમે એક કલાકની મહેનત બાદ અજગરને સહી-સલામત પકડી લીધો હતો.

તમામ વન્યજીવોને કોઈ પણ જાતની ઇજા પહોંચાડ્યા વિના સલામત રીતે વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા આ જીવોને તેમના કુદરતી આવાસમાં છોડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.