Vadodara News: વડોદરા નજીક મારેઠા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લર કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર દેખાતા કામદારોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ હોવા છતાં વડોદરા આસપાસ મગરો દેખાવાની ઘટનાઓ યથાવત રહેતી જોવા મળી રહી છે. નદીની બાજુમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક મગર 30 ફૂટ ઊંડા કીચડ ભરેલા ખાડામાં ઉતરી જતાં જીવદયા પ્રેમી હેમંત વઢવાણા તથા વન વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા, ભાવેશ બારીયા, વિપુલ ચાવડા, દિક્ષિત પટેલ અને મયુરભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કીચડમાં ફસાયેલા અંદાજે 150 કિલોના મગરને બહાર કાઢવું મુશ્કેલ હતું, તેથી ક્રેઈન અને રોપની મદદથી લગભગ બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ મગરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.
Vadodara News:મારેઠા ગામે બુલેટ ટ્રેન સાઇટ પર 9.5 ફૂટનો મગર પહોંચ્યો, બે કલાકની જહેમત બાદ ક્રેઈન મદદથી રેસ્ક્યૂ કરાયોhttps://t.co/vgx5z360TN#gujarat #GujaratiNews #GujaratNews #crocodile #Vadodara #NewsToday pic.twitter.com/nCPkgpyGfQ
— rakesh shukla (@rakeshashukla) November 11, 2025
રેસ્ક્યૂ દરમિયાન જીવદયા ટીમે ખાસ કાળજી રાખી હતી કે મગરને કોઈ ઇજા ન થાય. અંતે મગરને સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યો હતો. હેમંત વઢવાણાએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ વિશ્વામિત્રી નદીની વચ્ચોવચ છે, જેના કારણે અહીં પાણી અને કીચડ ભરેલા ખાડાઓમાં મગરો અવારનવાર ભટકી આવે છે. સ્થાનિક વન વિભાગ સાથે સહકારથી અમે સફળતાપૂર્વક આ મગરને બચાવી શક્યા છીએ.
સ્થળ પર રહેલા કામદારોમાં મગર દેખાતાં ક્ષણોમાં દોડધામ મચી ગઈ હતી, જોકે જીવદયા ટીમ અને ફોરેસ્ટ વિભાગની તત્પર કામગીરીથી કોઈ જાનહાની થઈ નહોતી.
