વડોદરામાં નશામાં ધૂત કારચાલકે એક્ટિવાને અડફેટે લીધી: વાઘોડિયા રોડ પર ગંભીર અકસ્માતમાં માતા-પુત્રી ઘવાયા, મહિલાને માથામાં ગંભીર ઈજા

વડોદરાના વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે અતિ ઝડપે આવતી કારે એક્ટિવાને અડફેટે લીધું. માતા-પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કાર મૂકી ચાલક ફરાર.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 11:48 AM (IST)Updated: Wed, 07 Oct 2026 11:48 AM (IST)
vadodara-waghodia-road-accident-drunk-driver-hits-activa-mother-daughter-injured

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં બેફામ સ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં મોડી રાત્રે ઓવરસ્પીડિંગ અને લાઈસન્સ વગર કે નશાની હાલતમાં વાહન હંકારીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતી ઘટનાઓ રોજીંદી બની રહી છે. વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે અતિ ઝડપે આવતી એક કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા પર સવાર માતા અને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું

મળતી માહિતી મુજબ, ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા તરફ જવાના મુખ્ય માર્ગ પર મોડી રાત્રે એક માતા પોતાની પુત્રી સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા દૂર ફેંકાઈ ગયું હતું અને માર્ગ પર સન્નાટો વ્યાપી ગયો હતો.

માતા અને પુત્રીને ઈજાઓ થઈ

અકસ્માતને પગલે એક્ટિવા પર સવાર માતાને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પુત્રીને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

અંધકારનો લાભ લઈ ચાલક ફરાર

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારની ઝડપ મર્યાદા કરતા ઘણી વધારે હતી. એટલું જ નહીં, પ્રાથમિક દ્રષ્ટિએ કારચાલક ભારે નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરથી કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવીને રફૂચક્કર થઈ ગયો હતો.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરાર થઈ ગયેલા નશાખોર કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોડી રાત્રે થતાં ઓવરસ્પીડિંગ અને નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડકમાં કડક પોલીસ પેટ્રોલીંગ અને કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.