Vadodara News: સાંસ્કૃતિક અને કલાનગરી વડોદરામાં આ વર્ષની નવરાત્રિ માત્ર પરંપરાગત ગરબા પૂરતી મર્યાદિત ન રહેતાં એક ઐતિહાસિક લોકઉત્સવ બની રહેશે. ઓક્ટોબર 2026માં વડોદરા મહાનગરપાલિકા, IGNCA અને યુનાઈટેડ વેના સંયુક્ત ઉપક્રમે યુનાઈટેડ વેના પ્રસિદ્ધ ગરબા મેદાન પર 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'નું વિશિષ્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં ખેલૈયાઓને વિનામૂલ્યે ગરબા રમવાનો અને લોકપ્રિય ગાયક અતુલ દાદા પુરોહિતના સુરીલા સૂરો પર ઝૂમવાનો અદ્ભુત મોકો મળશે.
મહોત્સવને વિશેષ થીમ પર રજૂ કરાશે
ગરબામાં ભાગ લેવા માટે નાગરિકોએ GWR વેરિફિકેશન લિંક મારફતે નોંધણી કરાવવાની રહેશે. આ સમગ્ર મહોત્સવને ચાર મુખ્ય વિષયવસ્તુ (થીમ) આધારે રજૂ કરવામાં આવશે. ઉત્સવની શરૂઆતમાં વડોદરાની સાચી ઓળખ અને ઐતિહાસિક વારસા સમાન 'વડ'ના પ્રતીકનું યુવા શક્તિની હાજરીમાં વિશ્વ સમક્ષ લોકાર્પણ કરાશે. આ સાથે શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી 'સ્વચ્છ વડોદરા'નો સામૂહિક સંકલ્પ લેવાશે અને નાગરિકો 'સ્વચ્છતા સે સ્વાગત' અભિયાનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને પોતાની જવાબદારી નિભાવશે.
નારી શક્તિનું કરાશે સન્માન
નવરાત્રિ એ મા શક્તિની ઉપાસનાનું પર્વ હોવાથી, વડોદરાની નારીશક્તિના સાહસ, ઉદ્યમશીલતા અને ધૈર્યને બિરદાવતી વિશેષ પ્રસ્તુતિઓ દ્વારા મહિલાઓનું સન્માન કરાશે. આ ભવ્ય ઉજવણીનો મુખ્ય આધાર 'વિકસિત ભારત 2047'નો સંકલ્પ છે, જેનો આશય દરેક નાગરિકમાં જવાબદાર અને સભાન ભારતીય બનવાની ભાવના કેળવવાનો છે.
નવો વર્લ્ડ રેકોર્ડ રચવાનો ઐતિહાસિક પ્રયાસ
સમાપન પ્રસંગે સમગ્ર શહેરની એકતા અને સામૂહિક ઊર્જા સાથે વિકસિત ભારત 2047ના વિઝનને સમર્પિત એક નવો વર્લ્ડ રેકોર્ડ રચવાનો પણ ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવશે. આમ, આ વખતે ગરબાના તાલ સાથે વિકાસ, સ્વચ્છતા અને વારસાનો ત્રિવેણી સંગમ સર્જાશે.
