Wadhvana Wetland: ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાની ઋતુમાં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે. આવનારી 2 જાન્યુઆરીએ વઢવાણા તળાવ ખાતે ફરી એકવાર યાયાવર પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. વન વિભાગના અંદાજ મુજબ વર્ષ 2026 ની ગણતરીમાં અંદાજે 65,000 જેટલા પક્ષીઓ નોંધાઈ શકે છે.

યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ: વઢવાણા તળાવ
વઢવાણા તળાવ ગુજરાતના મહત્વપૂર્ણ વેટલેન્ડમાંથી એક ગણાય છે. જ્યાં દર વર્ષે સાઇબેરિયા, મંગોલિયા, કઝાકિસ્તાન તેમજ મધ્ય એશિયાના વિસ્તારોમાંથી હજારો કિમીનું અંતર કાપીને યાયાવર પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે. વર્ષ 2019માં સૌથી વધુ 98,000 જેટલા પક્ષીઓની નોંધ થવાથી વઢવાણા તળાવ ખાસ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સતત પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 ની જાન્યુઆરીમાં થયેલી ગણતરીમાં માત્ર 55,000 જેટલા પક્ષીઓ નોંધાયા હતા.
પક્ષીઓની સંખ્યામાં ઘટાડો, કારણ શું?
વન વિભાગના અધિકારીઓ મુજબ, આ ઘટાડા પાછળ મુખ્ય કારણ તળાવનું જળસ્તર માનવામાં આવી રહ્યું છે. વઢવાણા તળાવ સિંચાઈ તળાવ હોવાથી તેમાં અવારનવાર પાણી છોડવામાં આવે છે, જેના કારણે આસપાસના વેટલેન્ડ વિસ્તારમાં જળસ્તર એકસરખું રહેતું નથી. જળસ્તરમાં આવતા ફેરફારથી પક્ષીઓને ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત, જળ વનસ્પતિમાં ઘટાડો થવાથી પણ પક્ષીઓની આવક પર અસર પડી રહી હોવાનું નિષ્ણાતો માને છે.

2 જાન્યુઆરીએ થશે પક્ષીઓની ગણતરી
પક્ષીઓની ગણતરીનું આયોજન ગુજરાત વન વિભાગ દ્વારા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS), એમ.એસ. યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સ્થાનિક બર્ડ વોચર્સ તથા પક્ષીપ્રેમીઓના સહયોગથી કરવામાં આવે છે. ગણતરી માટે તળાવને અલગ-અલગ ઝોનમાં વહેંચી બોટ, ટેલિસ્કોપ અને બાયનોક્યુલરની મદદ લેવાય છે. વહેલી સવારથી શરૂ થઈ સૂર્યાસ્ત પહેલાં ગણતરી પૂર્ણ કરવામાં આવે છે.

યુરેશિયન કૂટ પ્રજાતિની સંખ્યા પણ ઘટી
ઉલ્લેખનીય છે કે, અગાઉ યુરેશિયન કૂટ જેવી પ્રજાતિના 20,000 જેટલા પક્ષીઓ આવતા હતા, જ્યારે વર્ષ 2025 માં તેની સંખ્યા ઘટીને 7,000 જેટલી જ રહી હતી. આ તમામ પરિબળોને કારણે વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો હોવાની ચિંતા પર્યાવરણપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.
