VIDEO: વડોદરાના VNF ગરબામાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ, બીજા નોરતે 'પ્રેમાનંદજી મહારાજ' રૂપે ખેલૈયા ગરબે ઘૂમ્યા

VNF ગરબા મહોત્સવમાં આ વર્ષે ગરબે ઘૂમતા ખેલૈયાઓની અનોખી વેશભૂષા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 13 Oct 2026 03:45 PM (IST)Updated: Tue, 13 Oct 2026 03:45 PM (IST)
vadodara-vnf-garba-premanandji-maharaj-unique-costumes-navratri-2026

Vadodara VNF Garba 2026: સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રસિયાઓમાં અનોખો ઉત્સાહ અને સુંદરીય સર્જનાત્મકતા જોવા મળી રહી છે. શહેરના પ્રખ્યાત નવલખી મેદાન ખાતે આયોજિત VNF ગરબા મહોત્સવમાં આ વર્ષે ગરબે ઘૂમતા ખેલૈયાઓની અનોખી વેશભૂષા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નવરાત્રિના પ્રથમ નોરતે વડોદરા શહેરની ખાસ ઓળખ ગણાતા 'મગર'ની વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમતા એક ખેલૈયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. વડોદરા અને વિશ્વામિત્રી નદી સાથે મગરનો અનોખો સંબંધ હોવાથી આ સર્જનાત્મક વેશભૂષાને ખેલૈયાઓ અને દર્શકોએ ખૂબ જ વધાવી લીધી હતી.

 

નવરાત્રિના બીજા નોરતે VNF ગરબા ગ્રાઉન્ડમાં સંપૂર્ણપણે અધ્યાત્મ અને ભક્તિનો રંગ છવાઈ ગયો હતો. વૃંદાવનના પૂજ્ય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના સ્વરૂપમાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓએ ગરબા મેદાનમાં ખાસ ઝલક રજૂ કરી હતી. પ્રેમાનંદજી મહારાજ જેવા તપસ્વી અને તેજોમય રૂપમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને જોઈને ઉપસ્થિત તમામ માઈભક્તો અને ગરબાપ્રેમીઓ અચરજ પામ્યા હતા.

પ્રેમાનંદજી મહારાજના વેશમાં સજ્જ ખેલૈયાઓને જોવા અને તેમની સાથે તસવીરો ખેંચાવવા માટે ગરબા ગ્રાઉન્ડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અનોખા રૂપે ખેલૈયાઓમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શ્રદ્ધા અને ભક્તિનો એક સુંદર સંદેશ પણ પહોંચાડ્યો હતો.

આમ, વડોદરાના આસો નવરાત્રી ઉત્સવમાં લોકસંસ્કૃતિ અને અધ્યાત્મનો અદભુત સંગમ જોવા મળ્યો છે. VNF ગરબામાં દરરોજ રજૂ થતી આવી અનોખી થીમ અને ખેલૈયાઓની સર્જનાત્મકતાને કારણે આયોજન સ્થળે ભારે જનમેદની ઉમટી રહી છે, અને સમગ્ર વડોદરા શહેર ગરબાના ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે.