Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં આસ્થા અને ઐતિહાસિક વારસાના અનોખા સંગમ સમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના પરંપરાગત વરઘોડાની આજે દેવ ઉઠી એકાદશીના પાવન પર્વે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી સતત 217મા વર્ષે આ શાહી વરઘોડો અત્યંત આન, બાન અને શાન સાથે પ્રસ્થાન થયો હતો.
શ્રી વિઠ્ઠલનાથજીની પૂજા-અર્ચના કરાઈ
ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ અતૂટ ધાર્મિક પરંપરા મુજબ, વરઘોડાના પ્રારંભ પૂર્વે વડોદરાના રાજવી પરિવારના સભ્યો દ્વારા મંદિરમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા પૂજન સંપન્ન થયા બાદ ભગવાનને સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ઢોલ-નગારા તથા ભજન-કીર્તનની રમઝટ વચ્ચે વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. આ પાવન અવસરના સાક્ષી બનવા અને પ્રભુના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શહેરમાં ભગવાનનો વરઘોડો કાઢવામાં આવશે
નિર્ધારિત રૂટ મુજબ, માંડવી સ્થિત મંદિરથી નીકળેલો આ વરઘોડો એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પ્રતાપ ટોકીઝ, અમદાવાદી પોળ, રાવપુરા મુખ્ય માર્ગ, કોઠી ચાર રસ્તા અને આરાધના ટોકીઝ થઈને ગેંડેશ્વર (ગેનેશ્વર) મહાદેવ મંદિર ખાતે પહોંચશે. ગેંડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે યોજાતી પરંપરાગત તુલસી વિવાહ અને લગ્નની વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવશે.
વરઘોડાનું નગરજનો દ્વારા સ્વાગત કરાશે
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ બપોરે બે કલાકે ભગવાનનો આ વરઘોડો નિજ મંદિર તરફ પરત ફરવા પ્રસ્થાન કરશે. પરત ફરતી વખતે આ શોભાયાત્રા નાગરવાડા, ઘીકાંટા રોડ, અમદાવાદી પોળ, જ્યુબિલી બાગ, પ્રતાપ ટોકીઝ અને ન્યાયમંદિરના માર્ગો પરથી પસાર થશે. માર્ગમાં ઠેર-ઠેર નગરજનો અને વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા વરઘોડાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.
સમગ્ર દિવસની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને મોડી સાંજે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પુનઃ માંડવી સ્થિત નિજ મંદિરમાં બિરાજમાન થશે. છેલ્લા 216 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરા આજે 217મા વર્ષે પણ તેટલા જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જળવાઈ રહી છે, જે વડોદરાની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની જીવંત સાક્ષી પૂરે છે.
