Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પાલડી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે એક હૃદયદ્રાવક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ખેતરે કામ અર્થે ગયેલા 60 વર્ષીય નિવૃત્ત પોલીસ કર્મચારી પર મગરે અચાનક હુમલો કરી તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
નિવૃત પોલીસ કર્મી પર મગરે કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર, પાલડી ગામે રહેતા 60 વર્ષીય રમેશભાઈ પીરુભાઈ ભાલીયા નિવૃત્ત પોલીસ કર્મચારી છે. તેઓ પોતાના ખેતરે કામકાજ અર્થે ગયા હતા. ખેતી માટે નદીમાંથી પાણી ખેતરમાં લઈ જવાની જરૂરિયાત હોવાથી તેઓ વિશ્વામિત્રી નદીના કિનારે પાણીમાં ઉતર્યા હતા. તે જ સમયે પાણીમાં છુપાઈને બેઠેલા મહાકાય મગરે તેમના પર આચિંતો ત્રાટકીને તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા. મગરે રમેશભાઈને જડબામાં દબોચીને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધા હતા.
મગરે બે કલાક સુધી મૃતકને જકડી રાખ્યા
આ ઘટના બની ત્યારે આસપાસના લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. દૃશ્ય એટલું ભયાનક હતું કે, મગરે આશરે બે કલાક સુધી નિવૃત્ત પોલીસ કર્મીને પોતાના મોંમાં દબોચી રાખ્યા હતા અને પાણીમાં જાળવી રાખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો નદી કિનારે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.
ફાયર અને વન વિભાગની ટીમો દોડી આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યૂ ટીમ તેમજ જરોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને વન વિભાગ દ્વારા નદીના પાણીમાં મગરના જડબામાંથી આધેડને છોડાવવા તેમજ બચાવ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી જરોદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કરુણ ઘટનાથી વાઘોડિયામાં શોકનો માહોલ
વિશ્વામિત્રી નદીમાં મગરોની મોટી સંખ્યા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આજના આ કરૂણ બનાવથી પાલડી ગામ સહિત સમગ્ર વાઘોડિયા તાલુકામાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
