Vadodara Visa Fraud: વિદેશમાં સ્થાયી થવા અને સારી નોકરી મેળવવાની ઘેલછાનો લાભ ઉઠાવી લાખો રૂપિયા પડાવી લેતી બોગસ વિઝા કન્સલટન્સીઓનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા અને ખંભાતના કન્સલ્ટન્ટ્સે UK તથા કેનેડાની વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપીને છ લોકો સાથે ₹84.19 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિતોની રજૂઆત બાદ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે.
ઘટનાની વિગતો મુજબ, ખંભાત ખાતે રહેતા પિનલબેન પ્રજાપતિએ UK જવાની ઈચ્છા વ્યક્ત કરતા, એજન્ટ નિશાંત તલાટી મારફતે વડોદરાના સારાભાઈ કેમ્પસમાં કાર્યરત એરિકા ડિજિટલના સંચાલક સંજય કૃષ્ણા રાવનો સંપર્ક કર્યો હતો. સંજય રાવે છ મહિનામાં કામ પૂર્ણ કરી આપવાનો વાયદો આપીને ₹21 લાખ નક્કી કર્યા અને વિવિધ તબક્કે રકમ મેળવી હતી.
બાદમાં ખંભાતના ગ્લોબટ્રોટર ઓવરસીઝના પાર્થ પટેલને વચેટિયા તરીકે રાખી નોટરી કરાર તથા મેડિકલ અને PCC ની વિધિ પણ પૂરી કરાવી હતી. પરંતુ લાંબો સમય વિત્યા છતાં વિઝા ન મળતા મહિલાએ પોતાના નાણાં પરત માંગ્યા હતા, જેના જવાબમાં સંજય રાવે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ જ ગેંગે કેનેડામાં નોકરી અપાવવાના બહાને અન્ય લોકો સાથે પણ કૌભાંડ આચર્યું છે. અમી રાજ મહેતા અને રાજ અશોક મહેતા પાસેથી રૂ. 21.70 લાખ તેમજ મકરપુરા રોડના ગિરીશભાઈ શુક્લાના પુત્ર પાર્થ પાસેથી રૂ. 39.89 લાખ પડાવી લેવાયા હતા. આમ, ત્રણેય કિસ્સાઓ મળી કુલ રૂ. 8,419,052 ની માતબર રકમ મેળવી લઈ કોઈને પણ વચન મુજબની નોકરી કે વિઝા આપવામાં આવ્યા નહોતા.
હાલમાં ગોરવા પોલીસે સંજય કૃષ્ણા રાવ અને પાર્થ પટેલ સહિતના અન્ય આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
