Vadodara News: આયર્લેન્ડના વર્ક વિઝા ફ્રોડ: કારેલીબાગના દંપતી સાથે છેતરપિંડી 2 લાખની છેતરપિંડી, લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સામે ફરિયાદ

દંપતીના ઘરે આવી બે અલગ-અલગ જોબ ઓફર લેટર આપીને વિઝા મળશે એવા વાયદા કર્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 14 Nov 2025 03:55 PM (IST)Updated: Fri, 14 Nov 2025 03:55 PM (IST)
vadodara-visa-fraud-case-emerges-couple-cheated-in-the-name-of-ireland-job-visa

Vadodara News: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વેપારી સત્યેન અનિલભાઈ ઢોમસે અને તેમની પત્ની શ્રદ્ધાબેનને આયર્લેન્ડના વર્ક વિઝાના નામે 2 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવાનો મામલો સામે આવ્યો છે. લાંબા સમયના પ્રયાસો છતાં વિઝા ન મળતા અને રૂપિયા પણ પરત ન થતાં દંપતીએ લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના બે જવાબદાર વ્યક્તિઓ સામે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે ગંભીર ગુનાહિત દૃષ્ટિએ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રથમ હપ્તા તરીકે 2 લાખ રૂપિયા જમા કરાવવા જણાવ્યા હતા

માહિતી મુજબ, વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર વિઝા પ્રક્રિયાની જાહેરખબર જોઈ દંપતીએ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ માંજલપુરનાં દીપ ચેમ્બર્સ ખાતે આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસનો સંપર્ક કર્યો હતો. પ્રથમ મુલાકાત દરમિયાન રિસેપ્શનિસ્ટ માનસી પંચાલે તેમને આશિષ ગવલી પાસે મોકલ્યા હતા. આશિષે દંપતીને આયર્લેન્ડ વર્ક પરમિટ માટે નોકરી, રહેઠાણ, જમવાનું અને મેડિકલ ઇન્શ્યોરન્સ સહિત તમામ સુવિધાની ખાતરી આપતાં કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને પ્રથમ હપ્તા તરીકે 2 લાખ રૂપિયા જમા કરાવવા જણાવ્યા હતા.

જોબ ઓફર લેટર આપી વિઝા મળશે એવા વાયદા કર્યા હતા

બાદમાં આશિષ ગવલીએ દંપતીની મુલાકાત કંપનીના ડિરેક્ટર કૃણાલ નિકમ સાથે કરાવી હતી. 6 સપ્ટેમ્બર, 2021ના રોજ દંપતીએ 2 લાખ રૂપિયા રોકડ ચૂકવી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર કરાર કર્યો હતો, જેમાં 6 મહિનામાં વિઝા ન મળે તો રૂપિયા પરત કરવાની જોગવાઈ સ્પષ્ટ રીતે લખવામાં આવી હતી.

ઓરિજિનલ કરાર દંપતીને આપવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં કૃણાલ નિકમે મોબાઇલ કોન્ફરન્સ મારફતે એન્ડ્રુ ગાલ્વિન નામના વિદેશી નાગરિક સાથે ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો અને દંપતીની પસંદગી થયાનું જણાવ્યું હતું. ત્યારબાદ જુલાઈ 2023માં કૃણાલ નિકમ જાતે દંપતીના ઘરે આવી બે અલગ-અલગ જોબ ઓફર લેટર આપીને વિઝા મળશે એવા વાયદા કર્યા હતા.

ત્રણ વર્ષથી દંપતીને સતત માત્ર આશ્વાસનો જ આપતા હતા

પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી દંપતીને વારંવાર માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યા હતા. વિઝા પ્રક્રિયામાં કોઈ પ્રગતિ ન થતાં અને રૂપિયા પરત પણ ન કરતાં અંતે દંપતીએ કૃણાલ નિકમ અને આશિષ ગવલી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાનો નોંધી કન્સલ્ટન્સીના કાગળો, કરાર અને નાણાંકીય લેવડદેવડની દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં વિઝાના નામે વધતા કૌભાંડોની પૃષ્ઠભૂમિમાં આ કેસ ફરી એકવાર આવા કન્સલ્ટન્ટ્સની હકીકતો પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.