Vadodara News: સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નશાકારક અને પ્રતિબંધિત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર અંકુશ મેળવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોરવા ITI રોડ પર આવેલા પ્રમુખ ફ્લેટ્સની એક બંધ દુકાનમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સિરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચકચાર મચી જવા પામી છે.
બંધ દુકાનમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી અનુસાર, વડોદરા SOGના P.I. બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહને બાતમી મળી હતી કે, સમતા રોડ પર આવેલી નર્મદાનગરી વિભાગ-3 સોસાયટી સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક બંધ શટરવાળી દુકાનમાં ગેરકાયદેસર રીતે કોડીન કફ સિરપની પેટીઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
બાતમીને આધારે પોલીસે રેડ પાડી
આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા ગોરવા I.T.I રોડ સ્થિત પ્રમુખ ફ્લેટ્સની દુકાન નં. 5 પર પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનનું શટર બંધ હોવાથી તાળું તોડીને અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પારદર્શક પ્લાસ્ટિકથી વીંટાળેલા ખાખી રંગના પુઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ખોલીને ચકાસણી કરતા પ્લાસ્ટિક સ્ટીકરવાળી પ્રવાહી ભરેલી સીલબંધ બોટલો મળી આવી હતી. ત્યારબાદ સ્થળ પર જ ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેમજ FSLના અધિકારીઓને બોલાવીને જથ્થાની સત્તાવાર ચકાસણી કરાવવામાં આવી હતી, જેમાં આ જથ્થો સંપૂર્ણપણે પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો હોવાનું સાબિત થયું હતું.
22 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો
પોલીસ તપાસમાં 'Codeine Phosphate & Triprolidine Hydrochloride Syrup' એટલે કે 'UGREX COUGH SYRUP' 100 MLની કુલ 1,920 બોટલો મળી આવી હતી, જેની કુલ બજાર કિંમત રૂપિયા 22,58,880 થવા જાય છે. આ ઉપરાંત સ્થળ પરથી બે ઇન્વોઇસ બિલ, એક ઇ-વે બિલ અને એક ટ્રાન્સપોર્ટ પાવતી પણ કબજે કરવામાં આવી છે.
દવાનો દુકાનમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત જથ્થો ગોરવા ખાતે 'સાઇ લાઇફ સાયન્સ' સાથે સંકળાયેલા આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર (રહે. સાઇ લાઇફ સાયન્સ, શોપ નં. 7, લાભ બિઝનેસ હબ, કરોડીયા રોડ પાસે, ગોરવા, વડોદરા) દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે હિમાચલ પ્રદેશના બદદ્દી ખાતે આવેલી 'UGKing ફાર્મા' પાસેથી ઇન્વોઇસ મારફતે ખરીદવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો ઓલકાર્ગો લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરા મંગાવીને આ દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયો હતો.
આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
આ દરોડા અને તપાસ દરમિયાન મુખ્ય આરોપી આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર સ્થળ પર હાજર ન મળી આવવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ, 1985ની કલમ 8(સી) અને 21(સી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રતિબંધિત કફ સિરપની આંતરરાજ્ય હેરાફેરી, ખરીદ-વેચાણનું નેટવર્ક અને તેની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય શખ્સો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
