દિવાળીને લઈ વડોદરા પોલીસનું સઘન ચેકિંગ, મંગળ બજારમાં નાગરિકોને આપ્યો પર્સ ચોરીનો Live Demo

પોલીસ ટીમોએ બજારમાં વેપારીઓની દુકાનો, સામાન, બોક્સ તેમજ ગ્રાહકોના થેલાની ચકાસણી કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 09:15 PM (IST)Updated: Tue, 27 Oct 2026 09:15 PM (IST)
vadodara-sog-police-diwali-2026-checking-mangal-bazar-live-purse-theft-demo

Vadodara Police Diwali Checking: દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા મંગળ બજાર વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા SOG ટીમ સાથે મળીને વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તહેવારોની મોસમમાં ભીડભાડવાળી જગ્યાએ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SOG પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમો સાથે મંગળ બજારમાં સઘન તપાસ કરી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન પોલીસ દ્વારા બજારમાં ખરીદી કરવા આવેલા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેપારીઓની દુકાનો, સામાન, બોક્સ તેમજ ગ્રાહકોના થેલાની ચકાસણી કરવામાં આવી હતી.

અચાનક હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ માત્ર કડક ચેકિંગ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક અનોખો અભિગમ પણ અપનાવ્યો હતો. ભીડભાડવાળા વિસ્તારોમાં ખિસ્સાકાતરુ અને પર્સ ચોરોથી સાવચેત રહેવા માટે પોલીસે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યો હતો.

બજારમાં ખરીદી કરવા આવેલા એક વ્યક્તિનું પર્સ પોલીસકર્મી દ્વારા ભીડ વચ્ચે સફાઈપૂર્વક ચોરી લેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જ્યારે તે વ્યક્તિને પોતાનું પર્સ ચોરાયાની જાણ થઈ અને પોલીસે તેને પર્સ પરત આપીને સમગ્ર વાત સમજાવી, ત્યારે તે ચોંકી ગયો હતો. આ પ્રયોગ દ્વારા પોલીસે લોકોને ભીડમાં પોતાના કિંમતી સામાન અને પર્સની વિશેષ કાળજી રાખવા માટે પ્રત્યક્ષ માહિતગાર કર્યા હતા.

પોલીસની આ ડ્રાઈવથી સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના દ્રઢ થઈ હતી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસની કામગીરીને આવકારી હતી. વડોદરા પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. તહેવારોમાં નાગરિકો સતર્ક રહે અને સાવચેતીપૂર્વક ખરીદી કરે તેવી અપીલ પણ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.