Illegal gas cylinder refilling in Vadodara: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે બજારમાં રાંધણ ગેસની કૃત્રિમ અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તકનો લાભ ઉઠાવીને કાળાબજારી કરતા લેભાગુ તત્વો સક્રિય બન્યા છે. વડોદરા SOG ટીમે રાંધણ ગેસના સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.
રાંધણ ગેસના સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ
વડોદરા SOG ટીમને (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) ચોક્કસ બાતમી મળી હતી કે, ઉંડેરા-કોયલી રોડ પર આવેલા આદર્શ ડાઇનીગ હોલની પાછળ એક ખુલ્લા કમ્પાઉન્ડમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે જ્યારે ત્યાં દરોડો પાડ્યો ત્યારે જાણવા મળ્યું કે, આરોપી પાર્ક કરેલા વાહનોની આડમાં ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી જોખમી રીતે અન્ય બોટલોમાં રિફિલિંગ કરતા હતા.
એક શખ્સની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસ ટીમે જીતેન્દ્ર બારીયા નામના શખ્સને સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં એ વાત બહાર આવી છે કે, આ શખ્સ ઘરેલુ ગેસના બાટલામાંથી ગેસની ચોરી કરીને તેને જોખમી રીતે અન્ય બોટલોમાં રિફિલિંગ કરતો હતો. જે બાદ આ ગેસ સિલિન્ડરને ગેરકાયદેસર રીતે વેચવાનું નેટવર્ક ચલાવતો હતો.
વડોદરા SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) પોલીસની આ સઘન કાર્યવાહી દરમિયાન કુલ મળીને અંદાજે 1.98 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 40 જેટલા ભરેલા અને ખાલી રાંધણ ગેસના બોટલ, એક ટેમ્પો અને ડિજિટલ વજન કાંટો અને ગેસ રિફિલિંગ માટે વપરાતા અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
જોખમી કામગીરી સામે કડક કાર્યવાહી
ખુલ્લા મેદાનમાં અને રહેણાંક વિસ્તારની નજીક આ પ્રકારે ગેસ રિફિલિંગ કરવું એ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, જેનાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. SOG ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, અને મોટો જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
