વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખોટા દસ્તાવેજો બનાવીને જમીનોમાં ખોટી એન્ટ્રી પાડીને એક જ ગામના આઠ જેટલા પરિવારોની જમીનમાં છેતરપીંડીનો કિસ્સો સામે આવતા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર તમામ ફરિયાદીઓને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રેવન્યુ વિભાગના અધિકારીઓ અને ભુમાફિયાઓની મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા.
સાવલી તાલુકાના ગોઠડા ગામના સામંતપુરા પેટાપરામાં વર્ષ 2018થી 2021 સુધીના સમય દરમિયાન 8 જેટલા ખેડૂત ખાતેદારોની જમીનમાં ખોટા પેઢીનામા, મરણના દાખલા મૂકીને કેટલીક વ્યક્તિઓને ખેડૂત બનવવાનો કારસો ઘડાયો હતો. જે વ્યક્તિ અગાઉથી મૃત્યુ પામેલ હોય તેવા વ્યક્તિનો બનાવટી મરણનો દાખલો બનાવીને બોગસ પેઢીનામાને આધારે મૂળ જમીન માલિકના પરિવાર સાથે કોઈ લેવાદેવા જ ન હોય તેવા વ્યક્તિઓના નામની એન્ટ્રી પાડી દેવામાં આવી હતી.
આ કૌભાંડમાં વડીલો પાર્જીત જમીન ધરાવતા જમીન માલિકોને 135-Dની નોટિસ પણ બજાવવામાં આવી નથી.ખોટા સોગંદનામા, પેઢીનામાં અને મામલતદાર કચેરીએથી કાચી એન્ટ્રીને પાકી એન્ટ્રી કરી આપવામાં આવી છે. જેમાં અનેક વ્યક્તિઓને ખેડૂત બનાવી દેવામાં આવ્યા છે.
બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં રેવન્યુ વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગત સામે આવી છે. જ્યારે વર્ષ2018થી 2021 દરમિયાન થયેલા આ કૌભાંડમાં હજીતો એક જ ગામની વિગતો સામે આવી છે. જેતે સમય મર્યાદામાં આવા અન્ય કેટલા ગામોમાં બોગસ ખેડૂત બનવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું તે દિશામાં તપાસની માંગણી ધારાસભ્ય કેતન ઇનામદારે કરી છે.
