Vadodara: દિવાળી વેકેશનના 6 દિવસમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 19,040 પ્રવાસીઓનો ધસારો, પાલિકાને રૂ. 12.95 લાખની આવક

દિવાળી વેકેશનના માત્ર 6 દિવસમાં વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) પ્રાણી સંગ્રહાલયમાં 19,040 પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 03:37 PM (IST)Updated: Sat, 14 Nov 2026 03:37 PM (IST)
vadodara-sayajibaug-kamatibaug-zoo-diwali-vacation-19040-visitors-vmc-bumper-income

Sayajibaug Zoo Vadodara: દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં સંસ્કારી નગરી વડોદરાનું ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) અને તેનું પ્રાણી સંગ્રહાલય પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં વેકેશનના માત્ર 6 દિવસમાં સહેલાણીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. તારીખ 6 થી 11 નવેમ્બર દરમિયાન કુલ 19,040 પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લેતાં પાલિકાની તિજોરીમાં રૂ. 12,95,940ની નોંધપાત્ર આવક જમા થઈ છે.

એક દિવસમાં 6,233 મુલાકાતીઓ ઉમટ્યા

તહેવારોની રજાઓ શરૂ થતાની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો હતો. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, 6 નવેમ્બરે 697 મુલાકાતીઓથી શરૂ થયેલો આ પ્રવાહ 11 નવેમ્બર સુધીમાં ચરમસીમાએ પહોંચ્યો હતો. 11 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 6,233 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જેના થકી તંત્રને રૂ. 4,17,390ની વિક્રમી આવક થઈ હતી. તેવી જ રીતે, અગાઉના દિવસે એટલે કે 10 નવેમ્બરે પણ 5,419 સહેલાણીઓએ વન્યજીવોને નિહાળવાનો આનંદ માણ્યો હતો અને રૂ. 3,77,160ની આવક નોંધાવી હતી.

અંદાજે 5,000 લોકોએ જોયટ્રેનની મુસાફરી કરી

માત્ર વડોદરા શહેર જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પરિવારો પોતાના બાળકો સાથે વેકેશનની મજા માણવા સયાજીબાગ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર સયાજીબાગ પરિસરમાં આ છ દિવસો દરમિયાન દૈનિક અંદાજે 28 થી 30 હજાર જેટલા નાગરિકોની અવરજવર રહી હતી. બાગમાં આવતા પ્રવાસીઓમાં ખાસ કરીને બાળકો માટે જોયટ્રેન અને ઈ-કાર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. વેકેશન દરમિયાન અંદાજે 5,000 લોકોએ જોયટ્રેનની મુસાફરી કરી હતી, જ્યારે 900 જેટલા સહેલાણીઓએ ઈ-કારમાં બેસીને બાગની સફરનો લ્હાવો લીધો હતો.

પ્રવાસીઓને તંત્રની ખાસ અપીલ

પ્રવાસીઓની આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલય તંત્ર દ્વારા સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓનું આગોતરું અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. આ સાથે જ, વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તમામ મુલાકાતીઓને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા, કચરો ગમે ત્યાં ન ફેંકતા માત્ર કચરાપેટીમાં જ નાખવા તેમજ બાગના વૃક્ષો અને જાહેર મિલકતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.