વડોદરામાં મિત્રનો મોબાઈલ પરત માંગવો ભારે પડ્યો: 20 વર્ષીય યુવકનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારીને લૂંટ ચલાવી, પોલીસ ફરિયાદ

વડોદરાના સનફાર્મા રોડ પર મિત્રનો મોબાઈલ પરત માંગવા પર 20 વર્ષીય યુવકનું 6 આરોપીઓએ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતાર્યો. અટલાદરા પોલીસે આ મામલે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 27 May 2026 12:47 PM (IST)Updated: Wed, 27 May 2026 12:47 PM (IST)
vadodara-sanpharma-road-youth-kidnapped-stripped-video-blackmail-6-accused

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટના સામે આવી છે. મિત્રનો આંચકી લીધેલો મોબાઈલ ફોન પરત માંગવાની સામાન્ય બાબતમાં 6 શખ્સોએ ભેગા મળીને એક 20 વર્ષીય યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને નિર્દયતાપૂર્વક ઢોર માર મારી, તેને નિર્વસ્ત્ર કરી તેનો વીડિયો ઉતાર્યો હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ઉપરાંત, હુમલાખોરોએ યુવક પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરતા મળી ધમકી

મળતી માહિતી મુજબ, વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા પાર્વતીનગરમાં રહેતા 20 વર્ષીય યુવકના મિત્ર શિવાંશ શુકલાનો મોબાઈલ ફોન આશરે 10 મહિના પહેલા નીલ સહાની નામના શખ્સે પડાવી લીધો હતો. આ ફોન પરત મેળવવા માટે પીડિત યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે નીલનો સંપર્ક કર્યો હતો. જો કે, તે સમયે નીલના સાગરીત પ્રતિકસિંહ રાજપૂતે ફોન પર પીડિત યુવકને ગંદી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મધ્યરાત્રિએ ઘેરીને કારમાં ઠાંસી દીધો

આ અદાવતમાં ગત 7 જાન્યુઆરી, 2025ની મધ્યરાત્રિએ પીડિત યુવક જ્યારે પોતાના મિત્રના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રસ્તામાં રોક્યો હતો. બંને શખ્સોએ ઝઘડો કરી પીડિતને બળજબરીપૂર્વક સ્કૂટર પર બેસાડી સનફાર્મા રિંગ રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક લઈ ગયા હતા. જ્યાં નીલ સહાની, પ્રતિકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ કાર લઈને અગાઉથી જ હાજર હતા. ત્યાં પહોંચતા જ પ્રતિકસિંહે કારમાંથી લાકડાનો દંડો કાઢી પીડિત પર હુમલો કર્યો હતો અને તેને બળજબરીથી કારમાં ઠાંસી દીધો હતો.

કેનાલ રોડ પર લઈ જઈ ઢોરમાર માર્યો

આરોપીઓ યુવકનું અપહરણ કરીને બિલ કેનાલ રોડ તરફ લઈ ગયા હતા, જ્યાં તેને નિર્દયતાથી ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત યુવકને ડરાવવા અને બ્લેકમેલ કરવાના ઇરાદાથી તેના કપડાં ઉતરાવીને તેનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હુમલાખોરોએ યુવકનો મોબાઈલ ફોન અને પાકીટમાંથી ₹ 2000 ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. આરોપીઓએ યુવકને ભીમતળાવ ચોકડી પાસે ઉતારીને પોલીસ ફરિયાદ કરી તો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અટલાદરા પોલીસે તપાસ તેજ કરી

ગભરાઈ ગયેલો પીડિત યુવક સીધો ઘરે જવાના બદલે પોતાના એક મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં બે દિવસ સુધી રોકાયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ અંતે પીડિત યુવકે ઘરે પરત ફરીને આપવીતી વર્ણવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારની હિંમત બાદ યુવકે અટલાદરા પોલીસ મથકે 6 માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ, હુમલો, લૂંટ અને ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.