RTO નું કડક વલણ: ટેક્સ ન ભરનારા 15 BH સિરીઝના વાહનમાલિકોને સ્પેશિયલ નોટિસ, ₹5.16 લાખની વસૂલાત હાથ ધરાઈ

વડોદરા શહેરમાં નિયત સમયમ્યાદામાં રોડ ટેક્સ ન ભરનારા ભારત (BH) સિરીઝના 15 વાહનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરતા તંત્ર દ્વારા સ્પેશિયલ નોટિસો ફટકારવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 10:40 AM (IST)Updated: Mon, 09 Nov 2026 10:40 AM (IST)
vadodara-rto-notice-15-bh-series-vehicle-owners-tax-recovery
RTO નું કડક વલણ

Vadodara RTO Notice BH Series: સરકારી વેરાની બાકી નીકળતી રકમની વસૂલાત માટે વાહન વ્યવહાર વિભાગ (RTO) દ્વારા આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં નિયત સમયમ્યાદામાં રોડ ટેક્સ ન ભરનારા ભારત (BH) સિરીઝના 15 વાહનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરતા તંત્ર દ્વારા સ્પેશિયલ નોટિસો ફટકારવામાં આવી છે. આ બાકીદારો પાસેથી કુલ ₹5.16 લાખનો રોડ ટેક્સ વસૂલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

દરજીપુરા આરટીઓ કચેરીની કડક કાર્યવાહી

વડોદરાના દરજીપુરા સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં ટૂ-વ્હિલર અને ફોર-વ્હિલર બંને પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે. સરકારી નિયમો અનુસાર, બીએચ સિરીઝના વાહનો પર 15 વર્ષનો એકસાથે રોડ ટેક્સ ભરવાને બદલે દર બે વર્ષે સમયાંતરે ટેક્સ જમા કરાવવાની ખાસ જોગવાઈ રાખવામાં આવી છે. આમ છતાં, કેટલાંક વાહનચાલકો દ્વારા સમયસર ટેક્સની ચુકવણી ન કરવામાં આવતા આરટીઓએ લાલ આંખ કરી છે.

ટેક્સ ન ભર્યો તો રોજના ₹100 દંડ અને વાહન સીઝ કરવાની ચેતવણી

તંત્ર દ્વારા આ તમામ 15 વાહનમાલિકોને આખરી ચેતવણી આપી નોટિસ જારી કરવામાં આવી છે. જો નિયત સમયમ્યાદામાં બાકી નીકળતો ટેક્સ જમા કરાવવામાં નહીં આવે, તો દંડ સ્વરૂપે પ્રતિદિન ₹100 લેખે પેનલ્ટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, જો વાહનમાલિકો દ્વારા તેમ છતાં ટેક્સ નહીં ભરવામાં આવે તો જરૂર પડે વાહન જપ્ત કરવા સુધીના કડક પગલાં પણ લેવાઈ શકે છે.

શું છે BH સિરીઝ અને કેમ અપાઈ હતી સુવિધા?

સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની નોકરી દરમિયાન વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતી હોય છે. આવા કર્મચારીઓને પોતાના વાહનની દરેક રાજ્યમાં નવેસરથી પુનઃનોંધણી કરાવવાની જટિલ પ્રક્રિયા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 'BH સિરીઝ' (ભારત સિરીઝ) શરૂ કરવામાં આવી હતી. આ સિરીઝ હેઠળ વાહનચાલકો સમગ્ર દેશમાં મુક્તપણે વાહન ચલાવી શકે છે.

જોકે, સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધાનો લાભ લીધા બાદ પણ કેટલાક વાહનમાલિકો ટેક્સ ચૂકવવામાં બેદરકારી દાખવી રહ્યા છે. જેને પગલે વડોદરા આરટીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરચોરી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં આ વસૂલાત ઝુંબેશ વધુ આક્રમક બનાવવામાં આવશે.