Vadodara Jagannath Rath Yatra 2026: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં રથયાત્રા નિમિત્તે કળા, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય જોવા મળ્યો છે. પરંપરાગત આસ્થા અને અત્યાધુનિક ટેકનોલોજીના બેજોડ મિલન સમાન, સતત 13મા વર્ષે એક અનોખી અને વિશિષ્ટ ‘રોબો રથયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મોબાઈલ એપથી રથોનું ડિજિટલ સંચાલન
આ વર્ષની રોબો રથયાત્રાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં ઓરિસાના જગન્નાથ પુરી ખાતે બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય મુખ્ય રથોની ઝીણવટભરી વિગતો સાથેની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. રથની કોતરણીથી લઈને તેના રંગરૂપ અસલ પુરીના રથ જેવા જ પ્રતીત થતા હતા.

ભગવાન જગન્નાથની ભવ્ય 'રોબો રથયાત્રા'
સામાન્ય રીતે રથયાત્રામાં હજારો ભક્તો દ્વારા દોરડા વડે રથ ખેંચવામાં આવે છે, પરંતુ આ રોબો રથયાત્રામાં પરંપરાગત દોરડાને બદલે વિજ્ઞાનનો સ્માર્ટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ રથોને એન્જિનિયરિંગ કૌશલ્યની મદદથી રિમોટ કંટ્રોલ અને ખાસ તૈયાર કરાયેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી રથોનું સચોટ સંચાલન અને વળાંકો પર તેની ગતિ ભક્તો માટે કૌતુકનો વિષય બની હતી.

ડિજિટલ રથયાત્રા પાછળનો ઉમદા સંદેશ
આ ડિજિટલ રથયાત્રા માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન ન હતું, પરંતુ તેની પાછળ એક ઉમદા સામાજિક સંદેશ છુપાયેલો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, "વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ તેમજ સકારાત્મક ઉપયોગ દ્વારા વિશ્વમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ ફેલાવવો એ જ આ રથયાત્રાનો મુખ્ય હેતુ છે." આ યાત્રાએ સાબિત કર્યું કે જો ટેકનોલોજીનો ઉપયોગ ધર્મની સાથે માનવતાના કલ્યાણ માટે થાય, તો તે સમાજને નવી દિશા આપી શકે છે.

શ્રદ્ધાળુઓ અને વિજ્ઞાનપ્રેમીઓમાં ઉત્સાહ
ભગવાનના આ આધુનિક અને અનોખા સ્વરૂપને નિહાળવા માટે સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ વિજ્ઞાનપ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય જગન્નાથના નારાઓ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ આ અદભુત કલ્પના અને ડિજિટલ સવારીને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વડોદરાની આ રોબો રથયાત્રાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સમય સાથે કદમ મિલાવીને વધુ ભવ્ય બની શકે છે.
