Revenue Department Strike: ગુજરાત રાજ્ય મહેસુલી મંડળ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી વિવિધ પડતર માંગણીઓનો લાંબા સમયથી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ સરકાર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આ રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમના ભાગરૂપે આજે વડોદરા જિલ્લા મહેસુલી વિભાગના 350થી પણ વધુ કર્મચારીઓ એકસાથે માસ CL પર ઉતરી જતાં સમગ્ર જિલ્લાની મહેસુલી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.
મહેસૂલી કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન
મળતી વિગતો અનુસાર, મહેસુલી કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને હક્કો માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ સરકારી સ્તરેથી કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. જેના વિરોધમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ સંવર્ગના મહેસૂલી કર્મચારીઓ એકઠા થયા હતા અને કામગીરીથી અલિપ્ત રહીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.
સરકારી કામકાજ ઠપ્પ થયું
કર્મચારીઓની આ હડતાળને કારણે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ તેમજ તાલુકા સેવા સદનોમાં જમીન મહેસૂલ, દાખલાઓ, નોંધણી અને અન્ય વહીવટી કામગીરી અટકી પડી હતી. દૂર-દૂરથી પોતાના સરકારી કામકાજ માટે આવેલા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ખાલી હાથે પરત ફરવાની નોબત આવી હતી.
આંદોલનકારીઓએ હડતાળની ચીમકી આપી
આંદોલનકારી કર્મચારી મંડળના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતાં જણાવ્યું હતું કે,
જો સરકાર આગામી દિવસોમાં અમારી વ્યાજબી માંગણીઓનો સ્વીકાર નહીં કરે, તો આવનારી તારીખ 7 ઓક્ટોબરથી રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.
કર્મચારીઓની આ આક્રમક રજૂઆતને પગલે વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
