Vadodara Accident: વડોદરા નજીક આવેલા રણોલી હાઈવેથી રણોલી ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા વચ્ચે અચાનક શ્વાન આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં એક ટાટા ઈલેક્ટ્રિક કાર રસ્તા કિનારે આવેલા ઊંડા પાણીના ખાડામાં ખાબકી હતી. જોકે, સદનસીબે કારમાં સવાર તમામ ત્રણ લોકો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી।
કેવી રીતે સર્જાયો માર્ગ અકસ્માત
મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે એક ટાટા ઇલેક્ટ્રિક ફોર વ્હીલર કાર રણોલી હાઈવે પરથી રણોલી ગામ તરફ જઈ રહી હતી. રાત્રિના સમયે માર્ગ પર ભારે અંધારું હોવાના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. દરમિયાન અચાનક એક શ્વાન કારની આગળ દોડી આવ્યું હતું. શ્વાનને બચાવવાની લાયમાં કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે બેકાબૂ બનેલી કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી રસ્તાની સાઈડમાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં જઈ પડી હતી.
ત્રણ લોકોએ પોતાનો જીવ બચાવ્યો
અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર પાણીમાં ગરકાવ થાય તે પહેલાં જ ડ્રાઈવર સહિત તેમાં સવાર ત્રણેય મુસાફરો તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.
સ્ટ્રીટ લાઈટ્સ અંગે ગ્રામજનોની માંગ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રણોલી ગામ તરફ જતો આ માર્ગ રાત્રિના સમયે ભારે અંધારામાં ગરકાવ રહે છે. માર્ગ પર પૂરતી સ્ટ્રીટ લાઈટોના અભાવે વાહનચાલકોને અંધારામાં રસ્તો જોવામાં ભારે તકલીફ પડે છે, જેના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગ પર સત્વરે યોગ્ય સ્ટ્રીટ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી આક્રમક માંગ ઉઠવા પામી છે.
