વડોદરા: પાદરાના ચિત્રાલ ગામે 10 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો ગંભીર આક્ષેપ, આધેડ સામે POCSO હેઠળ ગુનો દાખલ

પાદરાના ચિત્રાલ ગામે 10 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર 47 વર્ષીય આધેડ સામે વડુ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ત્વરિત ધરપકડ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 05 Oct 2026 02:22 PM (IST)Updated: Mon, 05 Oct 2026 02:22 PM (IST)
vadodara-padra-chitral-pocso-case-10-year-old-girl-physical-harassment-accused-arrested

Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સગીરાની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એવો આક્ષેપ છે કે, પાદરા તાલુકાના ચિત્રાલ ગામે 10 વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી 47 વર્ષના આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. જે અંગે આરોપી સામે વડુ પોલીસ સ્ટેશનમાં POCSO અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વડુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

આધેડ પર અડપલાં કર્યાનો આરોપ

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના ચિત્રાલ ગામે આવેલી રાઘવ તલાવડી પાસેના એક રહેણાંક મકાનમાં બન્યો હતો. મૂળ કહાનવા ગામનો 47 વર્ષીય આધેડ ચિત્રાલ ગામની રાઘવ તલાવડી પાસે આવ્યો હતો. આ દરમિયાન ઘરમાં રહેલી 10 વર્ષની સગીર બાળકીને એકલી જોઈને એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે.

બાળકીએ ચીસો પાડતાં આરોપી નાસી ગયો

આચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલી માસુમ સગીરાએ હિંમત દાખવીને મોટેથી ચીસાચીસ કરી મૂકી હતી. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ જાય તેવા ડરથી આરોપી આધેડ તરત જ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે બાળકીએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ વડુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

આરોપી સામે ગુનો દાખલ કરાયો

બનાવ અંગેની ફરિયાદના આધારે વડુ પોલીસે આધેડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વડુ પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા અને ટૂંક જ સમયમાં 47 વર્ષીય આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.