Linkedin Cities On The Rise 2026: વિશ્વની અગ્રણી IT કંપની માઇક્રોસોફ્ટના વ્યાવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ 'લિંક્ડઇન' દ્વારા જાહેર કરવામાં આવેલા 'સિટીઝ ઓન ધ રાઇઝ-2026' અહેવાલમાં સંસ્કારી નગરી વડોદરાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ભારત દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા બિન-મહાનગરીય રોજગાર કેન્દ્રોમાં વડોદરાએ સમગ્ર દેશમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે રાજ્ય સ્તરે સુરત બાદ વડોદરા ગુજરાતનું બીજું સૌથી મોટું રોજગાર કેન્દ્ર બનીને ઊભરી આવ્યું છે. આ સફળતા શહેરમાં થઈ રહેલા ઝડપી ઔદ્યોગિક વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની નવી તકોનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે.
વિકાસ અને રોજગારીના મુખ્ય ક્ષેત્રો
અહેવાલ અનુસાર, વડોદરા હવે નવા યુગના ઉદ્યોગોનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે. શહેરમાં ખાસ કરીને તબીબી સાધન ઉત્પાદન,એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ઓષધ નિર્માણ અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં કરિયરની નવી વિપુલ તકો ઊભી થઈ રહી છે.
ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, તબીબી સાધન ઉદ્યોગ પાર્ક, ઔદ્યોગિક વિસ્તરણ અને ખાનગી ક્ષેત્રમાં વધતા રોકાણોએ વડોદરાને કુશળ માનવબળ માટે એક અત્યંત આકર્ષક ડેસ્ટિનેશન બનાવી દીધું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા પોતાના કારોબારનો વિસ્તાર કરાતાં સ્થાનિક યુવાનો તેમજ અન્ય શહેરોના વ્યાવસાયિકો માટે અહીં રોજગારીના નવાં દ્વાર ખુલ્યાં છે.
મહાનગરોથી આગળ વધતાં ટાયર-2 શહેરો
અહેવાલમાં એ વાત સ્પષ્ટપણે રેખાંકિત કરવામાં આવી છે કે, શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ, ડિજિટલ જોડાણ અને ઉદ્યોગોના વિસ્તરણને કારણે હવે રોજગાર માત્ર મોટાં મહાનગરો પૂરતો સીમિત રહ્યો નથી. બીજા ક્રમના શહેરો આ પરિવર્તનનું મુખ્ય ચાબુક બની રહ્યા છે. વડોદરા આ બદલાવનું સશક્ત કેન્દ્ર બન્યું છે અને આગામી વર્ષોમાં અહીં ઉચ્ચ કૌશલ્ય ધરાવતી તેમજ ટેકનિકલ રોજગારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દેશના ટોચના 10 ઉભરતા રોજગાર શહેરો
લિંક્ડઇનની 'સિટીઝ ઓન ધ રાઇઝ-2026' યાદી અનુસાર, દેશમાં ઝડપથી આગળ વધી રહેલા શહેરોમાં પ્રથમ ક્રમે વિશાખાપટ્ટનમ, બીજા ક્રમે લુધિયાણા, ત્રીજા ક્રમે સુરત, ચોથા ક્રમે વડોદરા અને પાંચમા ક્રમે પ્રયાગરાજ સ્થાન પામ્યા છે. આ યાદીમાં આગળ છઠ્ઠા ક્રમે કોયમ્બતૂર, સાતમા ક્રમે ભુવનેશ્વર, આઠમા ક્રમે જયપુર, નવમા ક્રમે ઇન્દોર અને દસમા ક્રમે ભોપાલનો સમાવેશ થાય છે.
આમ એકંદરે વડોદરા પોતાની પરંપરાગત ઓળખ સાથે હવે દેશના અગ્રણી ઔદ્યોગિક અને આર્થિક ગ્રોથ એન્જિન તરીકે મજબૂત રીતે સ્થાપિત થઈ રહ્યું છે.
