Vadodara Rain: ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે વડોદરા અને પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન દેવ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આજે તારીખ 1 ઓગસ્ટના રોજ ડેમની જળસપાટી 87.49 મીટર પર પહોંચી ગઈ છે.
ડેમમાં હાલમાં 1694.79 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેની સામે જળસપાટીનું સંતુલન જાળવી રાખવા માટે 1809.15 ક્યુસેક પાણીનો કુલ આઉટફ્લો ચાલુ રાખવામાં આવ્યો છે.
ડેમમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ડેમના નંબર 3, 4, 5 અને 6 એમ કુલ 4 દરવાજા 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેથી કુલ ઓપનિંગ 0.60 મીટર થયું છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ડેમમાં 34.6226 MCM જીવંત જળજથ્થો ઉપલબ્ધ છે, જે ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 60.66 ટકા જેટલો થાય છે.
વરસાદી આંકડાની વિગત જોઈએ તો, દેવ ડેમ સાઇટ પર આજે 02 મીમી વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ 473 મીમી થયો છે. જ્યારે આસપાસના અન્ય વિસ્તારો પૈકી શિવરાજપુરમાં મોસમનો કુલ 569 મીમી અને રામેશરા ખાતે 380 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી એટલે કે ફુલ રિઝર્વોયર લેવલ 89.65 મીટર છે.
કલેક્ટર ડો. અનિલ ધામેલીયાની મોડી રાત્રે મુલાકાત:
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલીયાએ મોડી રાત્રે દેવ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે ડેમ ખાતે પહોંચીને ગેટ ઓપરેશન, કંટ્રોલ રૂમની કામગીરી અને પાણીની આવક-જાવકની વિગતો મેળવી હતી.
ઉપરવાસમાં થતા ભારે વરસાદ અને તેના કારણે નદીમાં વધતા પ્રવાહને લીધે કોઈ આપાતકાલીન કે કપરી સ્થિતિ ન સર્જાય તે માટે તેમણે સ્થળ પર જ હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા.
અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ:
જિલ્લા કલેક્ટરે દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ગામો અને વિસ્તારોના લોકોને સંપૂર્ણ સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે લોકોને નદીપટમાં ન જવાની સલાહ આપી હતી અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહી માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.
