વડોદરા રેલવે સ્ટેશન પર દિવાળી-છઠ્ઠ પૂજાને લઈ ભારે ભીડ, તત્કાલ ટિકિટ ન મળતા મુસાફરોમાં રોષ

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોમાં યુપી-બિહાર જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર હજારોની ભીડ ઉમટી છે. ઓનલાઈન અને તત્કાલ ટિકિટ ન મળતા મુસાફરો છેલ્લા બે દિવસથી સ્ટેશન પર જ રાતવાસો કરવા મજબૂર બન્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 05 Nov 2026 02:49 PM (IST)Updated: Thu, 05 Nov 2026 02:49 PM (IST)
vadodara-railway-station-rush-for-diwali-chhath-puja

Vadodara News: દિવાળી અને છઠ્ઠ પૂજાના પવિત્ર તહેવારો મનાવવા માટે વતન તરફ પ્રયાણ કરી રહેલા પરપ્રાંતીય મુસાફરોના ભારે ઘસારાને કારણે વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ટિકિટ બુકિંગ વિંડો પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી

છેલ્લા 60 દિવસથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવાના અથાક પ્રયાસો કરવા છતાં ટિકિટ કન્ફર્મ ન થતાં, હવે મુસાફરો માટે ઓફલાઈન લાઈનમાં ઊભા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. વડોદરા સ્ટેશન પર તત્કાલ અને સામાન્ય ટિકિટ બુકિંગ વિંડો પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક મુસાફરો તો છેલ્લા બે-બે દિવસથી ટિકિટ મેળવવાની આશાએ રેલવે સ્ટેશન પર જ રાતવાસો કરીને લાઈનમાં બેસી રહ્યા છે.

વિંડો ખૂલે તેના થોડા જ સમયમાં તમામ ટિકિટો વેચાઈ જાય છે: મુસાફરો

ટિકિટ બુકિંગની આ જટિલ પરિસ્થિતિને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સામાન્ય માણસો માટે રેલવે દ્વારા યોગ્ય ટિકિટ વ્યવસ્થા કરવામાં આવી નથી. તત્કાલ વિંડો ખૂલે તેના થોડા જ સમયમાં તમામ ટિકિટો વેચાઈ જાય છે. જો લાઈનમાં સાવ આગળ હોઈએ તો જ ટિકિટ મળે છે, બાકી ખાલી હાથે પાછા ફરીને બીજા દિવસે ફરીથી લાઈનમાં ઊભા રહેવું પડે છે. વતન પહોંચીએ તે પહેલા જ આ હાલાકીથી થાકી ગયા છીએ."

રેલવે વિભાગ દ્વારા ભીડ નિયંત્રિત કરવા ખાસ વ્યવસ્થા કરાઇ

બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. સ્ટેશન પરિસરમાં મુસાફરોને તડકા અને ગરમીથી બચાવવા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે તથા બેસવા માટે ખુરશીઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેશન પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ પર કાબૂ રાખી શકાય તે માટે આરપીએફ (RPF) અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તહેવારોના સમયે ટ્રેનોની અછત અને ટિકિટોની કાળજી વચ્ચે પરપ્રાંતીય મુસાફરો વતન પહોંચવા માટે ભારે કસરત કરી રહ્યા છે.