વડોદરા રેલવે મંડળમાં CCTVની બાજ નજર, 3.83 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 68 આરોપીઓ જેલભેગા

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં CCTV કેમેરાની મદદથી મોટી સફળતા. નડિયાદની 3.70 કરોડની સોનાની લૂંટ સહિત ચોરીના 55 બનાવોનો પર્દાફાશ, જાણો વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 10 Oct 2026 12:00 AM (IST)Updated: Sat, 10 Oct 2026 12:03 AM (IST)
vadodara-railway-security-383-cr-recovered-68-arrested

Vadodara Railway Security: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોના સામાનની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે ડિજિટલ દેખરેખ મજબૂત કરવામાં આવી છે. ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના નેટવર્ક અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં ચોરીના અનેક ગંભીર બનાવોનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

મંડળ દ્વારા ચોરીના કુલ 55 બનાવોનો પર્દાફાશ કરીને 68 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને આગળની કાર્યવાહી માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ ને સોંપાયા છે. આ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ ₹3,83,73,196ની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

નડિયાદની ₹3.70 કરોડની સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો

આ સફળતાઓમાં સૌથી મહત્વપૂર્ણ કેસ 3 ઑક્ટોબર, 2026ના રોજ નડિયાદ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર બન્યો હતો. મુસાફર ભરતભાઈ પાસેથી ₹3,70,30,851ની કિંમતનું આશરે 2.710 કિલોગ્રામ સોનાનું આભૂષણ અને અન્ય કિંમતી સામાન ભરેલી બેગ રેલવેના એક ભૂતપૂર્વ કર્મચારી અને તેના ત્રણ સાથીઓએ લૂંટી લીધી હતી. RPF અને GRP દ્વારા સ્ટેશન તેમજ આસપાસના CCTV ફૂટેજનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને આરોપીઓના ભાગવાના માર્ગની ઓળખ કરવામાં આવી હતી. આ સચોટ ટેકનિકલ વિગતોના આધારે ગુજરાત પોલીસે વિરમગામ ખાતેથી ચારેય આરોપીઓને લૂંટાયેલા સંપૂર્ણ સોના સાથે પકડી પાડ્યા હતા.

AC કોચમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

અન્ય એક ઘટનામાં, 12 ઑગસ્ટ, 2026ના રોજ સૌરાષ્ટ્ર મેલના AC કોચમાંથી મુસાફર અનિલભાઈની ₹11.71 લાખના સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ ચોરાઈ હતી. CCTV કેમેરાના ફૂટેજના આધારે 19 ઑગસ્ટના રોજ ‘શ્યામ’ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કડક પૂછપરછ દરમિયાન તેણે વિવિધ સ્ટેશનો (નડિયાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, અમદાવાદ અને મહેસાણા) પર AC કોચમાં ચોરીની 23 ઘટનાઓ આચરી હોવાની કબૂલાત કરી હતી.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા સામે લાલ આંખ

માત્ર ચોરી જ નહીં, પરંતુ વંદે ભારત ટ્રેનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ CCTV ટેકનોલોજી વરદાન સાબિત થઈ છે. વર્ષ 2026 દરમિયાન વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની 4 ઘટનાઓ બની હતી. ટ્રેનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજથી આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે અને રેલવે એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વડોદરા મંડળની આ સફળતા દર્શાવે છે કે આધુનિક દેખરેખ અને સુરક્ષા દળો વચ્ચેનું સંકલન મુસાફરો માટે રેલવે મુસાફરીને વધુ સુરક્ષિત બનાવી રહ્યું છે.