પતિ હયાત નથી, સંતાનોની જવાબદારી હતી... વડોદરામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીથી લાચાર રેલવે કર્મી મહિલાએ ખાધું ઝેર

વડોદરાના કોઠી કપાઉન્ડ વિસ્તારમાં વ્યાજખોરની ધમકીથી કંટાળી રેલવે મહિલા કર્મચારીએ ઝેરી દવા પીધી. 3 લાખના લોન સામે લાખો ચૂકવવા છતાં મકાન અને દાગીના પડાવી લીધાનો આરોપ. પ્ર.નગર પોલીસે હાથ ધરી તપાસ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 03:20 AM (IST)Updated: Thu, 15 Oct 2026 03:20 AM (IST)
vadodara-railway-employee-attempts-suicide-over-moneylender-harassment

Vadodara News: વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક અને બેફામ બનેલી દાદાગીરી વધુ એક વાર સામે આવી છે. કોઠી કપાઉન્ડ વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં રહેતી અને રેલવે વિભાગમાં જ ફરજ બજાવતી મહિલા કર્મચારીને વ્યાજખોરે ફોન કરી નાણાની અસહ્ય ઉઘરાણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા, મહિલાએ ભારે માનસિક તણાવમાં આવી પોતાના જ ઘરે ઝેરી દવા પી લીધી હતી. મહિલાને ઝેરી અસર થતાં જ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પતિ વગર ત્રણ-ત્રણ સંતાનોનો ઉછેર: 10 ટકા વ્યાજના વિષચક્રમાં ફસાયા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળતી વિગતો મુજબ, ઝેર ગટગટાવનાર 42 વર્ષીય મનીષાબેન રાજુભાઇ વાળા રેલવેમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મનીષાબેનના પતિનું અગાઉ અવસાન થયેલું હોવાથી તેમના માથે એક પુત્ર અને બે પુત્રીઓ એમ ત્રણ-ત્રણ સંતાનોના પાલન-પોષણની જવાબદારી છે.

આશરે ત્રણ વર્ષ અગાઉ કૌટુંબિક કે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં મનીષાબેને મીરાજ નામના શખ્સ પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજદરે રૂપિયા 3 લાખ ઉછીના લીધા હતા.

મકાન અને દાગીના પડાવી લીધા, છતાં ધમકીઓ અટકી નહીં

આક્ષેપ મુજબ, મનીષાબેન આ 3 લાખ રૂપિયાના બદલામાં દર મહિને 60 હજાર રૂપિયા જેટલો હપ્તો નિયમિતપણે ભરતા હતા. આમ છતાં, રાક્ષસી વ્યાજ વસૂલતા વ્યાજખોર મીરાજની ભૂખ સંતોષાઈ ન હતી. તેણે દબાણ ઊભુ કરીને મનીષાબેનનું મકાન અને સોના-ચાંદીના દાગીના પણ ગેરકાયદેસર રીતે હડપ કરી લીધા હતા.

સર્વસ્વ લૂંટાઈ ગયા પછી પણ વ્યાજખોરનો ત્રાસ ઓછો થયો ન હતો. વહેલી સવારે વ્યાજખોરે મનીષાબેનને ફોન કરીને અમાનુષી ભાષામાં વધુ નાણાંની ઉઘરાણી કરી ધમકી આપી હતી. સતત માનસિક શ્રમ અને આ ત્રાસથી કંટાળીને આખરે મનીષાબેને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્ર.નગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિણીતાની સ્થિતિ અને પરિજનોના આક્ષેપોના આધારે પ્ર.નગર પોલીસે બનાવની નોંધ કરી છે. વ્યાજખોર મીરાજ સામે કાયદાકીય શિકંજો કસવા અને ઘટના સંદર્ભે વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.