Vadodara Newsવડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગત રાત્રે જૂની અદાવત રાખી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે થયેલા આ હુમલામાં બંને પક્ષના યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તલવાર અને પાઈપ વડે હુમલો
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો પ્રથમ પક્ષે પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પર રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા 33 વર્ષીય પરમજીતસિંહ અર્જુનસિંહ પંજાબીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ગત 16 નવેમ્બરની રાત્રે તેઓ પ્રતાપનગર પુલ નીચેથી પાન ખાઈને પોતાના એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લાલબાગ નજીક આવેલી સરકારી સ્કૂલ પાસે અગાઉના ઝઘડાની અદાવત રાખી કરણિસિંહ શમશેરસિંહ પંજાબી, કિશનસિંહ ગોરખાસિંહ પંજાબી, વિશાલસિંહ શમશેરસિંહ પંજાબી અને ગુરમીતસિંહ બલદેવસિંહ પંજાબીએ તેમને રોક્યા હતા. એચલું જ નહીં ઉશ્કેરાયેલા આરોપીઓએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો, જેમાં કરણિસિંહે પરમજીતસિંહના કપાળ પર તલવારનો ઘા ઝીંક્યો હતો, જ્યારે કિશનસિંહે પગમાં લોખંડની પાઇપ ફટકારી હતી. અન્ય શખ્સોએ લાકડીઓ વડે છાતી અને હાથના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પરમજીતસિંહને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
4 મહિના જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાનો આરોપ
તો બીજી તરફ, સામા પક્ષે ડભોઇ રોડ સ્થિત જય નારાયણનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા 22 વર્ષીય કરણસિંહ શમશેરસિંગ પંજાબીએ વળતી ફરિયાદ દાખલ કરાવી છે. તેમના આક્ષેપ મુજબ, તેઓ તેમના મામાના દીકરા કિશનસિંહ સાથે એક્ટિવા પર લાલબાગ ઢોરના ડબ્બા પાસેની સરકારી સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાર મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં પરમજીતસિંહ પંજાબીએ તેમને રોકી ગાળાગાળી કરી હતી અને ફોન કરીને સિંધવાઈ માતા સરદાર કોલોનીમાંથી રણજીતસિંહ પંજાબી તેમજ તેના કાકાઓ પોપીસિંગ, ડાર્લીસિંગ અને અન્ય એક રણજીતસિંહને બોલાવી લીધા હતા. આ ટોળકીએ હુમલો કરતા પરમજીતસિંહે લાકડાનો ફટકો મારતા કરણસિંહના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું.
સામસામી ફરીયાદ બાદ પોલીસે શરુ કરી તપાસ
હાલમાં મકરપુરા પોલીસે બંને જૂથોની ફરિયાદના આધારે રાયોટિંગ અને મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
-1794896783606_m.webp)