31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા પોલીસ એલર્ટ: CP નરસિમ્હા કોમારનો કડક એક્શન પ્લાન 

6 DCP સહિત 2000થી વધુ પોલીસ તૈનાત, ઝીરો ટોલરન્સ અને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા. જાણો એક્શન પ્લાનની ખાસિયતો…

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 30 Dec 2025 08:52 AM (IST)Updated: Tue 30 Dec 2025 08:52 AM (IST)
vadodara-police-alert-action-plan-regarding-december-31-celebrations-664410
HIGHLIGHTS
  • 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા પોલીસ એલર્ટ
  • CP નરસિમ્હા કોમારનો કડક એક્શન પ્લાન તૈયાર
  • ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો પર ખાસ નજર રહેશે

31st December Celebration: વડોદરા શહેરમાં દર વર્ષે યુવાધન સહિત મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, પાર્ટી પ્લોટો અને જાહેર સ્થળોએ ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર

વડોદરા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે અને રાત્રે શહેરભરમાં વિશાળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 6 DCP, 13 ACP, 54 PI, 75 PSI, 2000થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ 600 TRB અને હોમગાર્ડના જવાનો ફરજ પર તૈનાત રહેશે. તમામ ભીડભાડવાળા વિસ્તાર, હોટલ, પાર્ટી પ્લોટો અને મુખ્ય માર્ગો પર પોલીસની કડક નજર રહેશે. અસામાજિક તત્વો ઉજવણીમાં કોઈ પ્રકારની દખલગીરી ન કરે તે માટે પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે.

આડાઅવળા થયા તો ગયા સમજો!

31 ડિસેમ્બરની રાત્રે પોલીસની પેટ્રોલિંગ ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. પોલીસના વિશેષ વાહનો સાથે સતત મોનિટરિંગ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર અથવા અનિચ્છનીય પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો પર ખાસ નજર

છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરની રાત્રે મોડી વેળાએ નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો પર વિશેષ નજર રાખવામાં આવશે. જ્યાં ભીડ વધુ હશે ત્યાં શી-ટીમ અને ટ્રાફિક પોલીસની ખાસ હાજરી રહેશે. હાલ સુધી શહેરના કોઈપણ ફાર્મ હાઉસ કે હોટેલ દ્વારા ઉજવણી માટે મંજૂરી માંગવામાં આવી નથી.

CP નરસિમ્હાએ કરી અપીલ, "કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરો"

આ મુદ્દે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, “31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, નિયમ ભંગ અને જાહેર શાંતિ ભંગ કરતી કોઈ પણ પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ છે કે કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરે.”

આ વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોન જાહેર

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ફતેગંજ સદરબજાર, સયાજીગંજ, ડેરીડેન સર્કલ, અલકાપુરી રોડ, ચકલી સર્કલ સહિતના વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી ઉજવણી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન અને ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત થાય.