વડોદરામાં દુકાન અપાવવાના નામે આધેડ સાથે ₹9 લાખની ઠગાઈ, ભાજપ નેતાના પુત્ર સહિત 4 સામે પોલીસ ફરિયાદ

આ મામલે પીડિત દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 11:25 PM (IST)Updated: Tue, 03 Nov 2026 11:25 PM (IST)
vadodara-pm-awas-yojana-shop-fraud-9-lakh-cheating-bjp-leader-son-accused

Vadodara Fraud News: વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દુકાન અપાવવાના બહાને ખોટા સહી-સિક્કા કરી એક આસિસ્ટન્ટ લાઈનમેન સાથે રૂપિયા 9.05 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના ગોત્રી રોડ પર આવેલા સુદામાનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રતિકકુમાર બારોટ MGVCL કોયલી સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. તેમના સાળા દીપક મકવાણાના મારફતે તેમની મુલાકાત શુભમ મહાવર સાથે થઈ હતી.

જૂન 2025 માં શુભમ તેમને સમતા વિસ્તારમાં આવેલી સંદીપ એસ્ટેટ એજન્સીની ઓફિસે લઈ ગયો હતો. અહીં ફરિયાદીની ઓળખાણ જીલ અશોકકુમાર બારોટ, રોહન સોલંકી અને ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોશી સાથે થઈ હતી. આ ટોળકી દ્વારા કશ્યપ જોશીની ઓળખ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી તરીકે આપવામાં આવી હતી.

આરોપીએ ફરિયાદીને સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઝાંસી રાણી હાઉસિંગ યોજનાની દુકાન નંબર 2 માત્ર 16 લાખ રૂપિયામાં અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. આ સોદા માટે આરોપીઓએ ટુકડે-ટુકડે નાણાં વસૂલવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 50 હજાર અને બાદમાં સાડા ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 14 જૂનના રોજ નોટરી સમક્ષ બાનાખત કરાવી કમિશન પેટે 30 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા.

બાદમાં માર્ચ 2026 માં વેચાણ દસ્તાવેજ કરી આપવાના બહાને વધુ રૂ. 1.45 લાખ લેવાયા હતા. થોડા સમય બાદ દુકાનની કિંમત વધી ગઈ હોવાનું નાટક કરી વધુ રૂ. 3.30 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂ. 2 લાખ રોકડા, મિત્રના ખાતામાંથી રૂ. 1 લાખ અને ગૂગલ પે દ્વારા રૂ. 30 હજાર ચૂકવતા કુલ 9.05 લાખ રૂપિયા આરોપીઓને ચૂકવ્યા હતા.

આરોપી જીલ બારોટે વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ વોટ્સએપ પર મોકલી તેમાં મહાનગરપાલિકા દ્વારા કરાતા સિક્કા અને સબ રજીસ્ટ્રાર કચેરીની પહોંચ મૂકી હતી. લાંબા સમય સુધી દુકાનનો કબજો ન મળ્યા ત્યારે ખરાઈ કરાવતા દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પ્રતિકકુમાર બારોટે જીલ અશોક બારોટ, રોહન લક્ષ્મણસિંહ સોલંકી, શુભમ મહાવર અને કશ્યપ રાકેશકુમાર જોશી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.