સુરેશ પાનસુરિયા અને તેના પરિવાર સામે 9.98 કરોડની છેતરપિંડી અંગે વડોદરામાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઇ

ઓગસ્ટ 2026માં પણ સુરેશ અને મનીષ પાનસૂરિયાની રૂ. 3 કરોડના અન્ય એક કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે હાલ ચુકવણીના પુરાવા, બેંક વ્યવહારો અને રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 03 Nov 2026 01:19 PM (IST)Updated: Tue, 03 Nov 2026 01:19 PM (IST)
vadodara-fraud-case-suresh-pansuria-and-family-face-two-more-police-complaints

Vadodara News: વડોદરા શહેરના હરણી-સમા લિંક રોડ પર આવેલી ‘SP ઇન્ફ્રા’ કંપનીની રિયલ એસ્ટેટ યોજનાઓમાં રોકાણકારો સાથે નાણાકીય છેતરપિંડીના મામલે વધુ બે પોલીસ ફરિયાદો નોંધાતાં ચકચાર મચી ગઈ છે. હરણી પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેમના પુત્ર મનીષ પાનસુરિયા તેમજ પ્રવીણ, કિશોર અને રવિ પાનસૂરિયા નામના ભાગીદારો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. બંને ફરિયાદોમાં કુલ રૂ. 9.98 કરોડની રકમ સંકળાયેલી છે.

ખોટી સહીઓ કરીને બાનાખત રદ કરાયાનો દાવો

ગોધરા નજીક રતનપુરના નિવાસી જ્યોતિકાબેન દિલીપકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 2021થી 2023 દરમિયાન ‘શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ’, ‘સિદ્ધેશ્વર પેસિફિક’ અને ‘સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ’ જેવા પ્રોજેક્ટ્સમાં ફ્લેટ, દુકાનો અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીનમાં રોકાણ કર્યું હતું. આ માટે તેમણે કુલ રૂ. 6.83 કરોડ ચૂકવ્યા હતા.

તેમનો આરોપ છે કે ફ્લેટ નંબર 301 અને D-704 તેમજ અન્ય મિલકતોના બાનાખત તેમની જાણ બહાર, ખોટી સહીઓ કરી બાપોદ સબ-રજિસ્ટ્રાર કચેરી મારફતે રદ કરીને ત્રાહિત વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા. તેમણે રૂ. 6.66 કરોડની રકમ હજુ બાકી હોવાનો અને મિલકત કે નાણાં કંઈ જ ન મળ્યાનો દાવો કર્યો છે.

શિક્ષક સાથે રૂ. 3.32 કરોડની છેતરપિંડી

બીજી ફરિયાદ મહીસાગરના લુણાવાડા તાલુકાના ચંદ્રપુરના રહીશ અને પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રકાંત ભુલાભાઈ પટેલે નોંધાવી છે. તેમણે વર્ષ 2021થી 2025 દરમિયાન આઠ મિલકતો માટે ચેક, RTGS અને રોકડ દ્વારા રૂ. 3.32 કરોડ ચૂકવ્યા હતા. તેમ છતાં તેમને વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા નહોતા. ઉપરાંત, સિદ્ધેશ્વર પેરેડાઇઝની દુકાન નંબર 1નું બાનાખત ખોટી સહીઓ મારફતે રદ કરી અન્યને વેચી દેવાયાનો આક્ષેપ છે.

હરણી પોલીસે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા અંગે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2026માં પણ સુરેશ અને મનીષ પાનસૂરિયાની રૂ. 3 કરોડના અન્ય એક કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે હાલ ચુકવણીના પુરાવા, બેંક વ્યવહારો અને રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.