Vadodara News: મોટા વળતરની લોભામણી ઓફરો આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર SD PAY અને APNA PAY એપ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે પોલીસે સિકંજો કસ્યો છે. રૂ. 635 કરોડના આ બહુચર્ચિત કૌભાંડના મુખ્ય આરોપીઓ ધવલ પટેલ અને તેની મહિલા સાગરીત નિશીની ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા છે, જ્યાં સાયબર સેલ દ્વારા બંનેની ઘનઘોર પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
અમરેલી અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે SD PAY એપને ઓપરેટ કરનાર મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગનેને અગાઉ ઔરંગાબાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરામાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદના આધારે તપાસ લંબાવતા એપના માલિક ધવલ પટેલ અને નિશી પ્રસાદના નામો ખૂલ્યા હતા. આથી વડોદરા સાયબર સેલે ટ્રાન્સફર વોરંટ મેળવીને બંનેની કસ્ટડી મેળવી છે.
પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ ધવલ ગોવિંદજી પટેલ (રહે. માણકેજ, ખેરાલુ, મહેસાણા) અને નિશી સત્યનારાયણ પ્રસાદ (રહે. મહેસાણા, મૂળ બિહાર) તરીકે થઈ છે. સાયબર સેલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કૌભાંડ માત્ર 635 કરોડ પૂરતું સીમિત નથી, પરંતુ બેંક એકાઉન્ટ્સ દ્વારા રૂ. 1500 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) આચરવામાં આવ્યા છે.
સાયબર સેલની તપાસ દરમિયાન કૌભાંડીઓ સાથે સંકળાયેલા 27થી વધુ બેંક એકાઉન્ટ્સની માહિતી મળી આવી છે. પોલીસે તમામ સંબંધિત બેંકો પાસે આ ખાતાઓની લેવડ-દેવડની વિગતો અને સ્ટેટમેન્ટ માગ્યા છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ કૌભાંડમાં સામેલ અન્ય વગદાર અને મોટા નામો બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
