વડોદરા પીએમ આવાસ કૌભાંડ, ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી સહિત બેના 4 દિવસના રિમાન્ડ, 63 લાખથી વધુની ઠગાઈ

વડોદરાના ગોરવા અને સુભાનપુરામાં પીએમ આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી 63.55 લાખની ઠગાઈ આચરનાર કશ્યપ જોષી અને તેના સાગરીતની ધરપકડ. પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 01:38 AM (IST)Updated: Mon, 19 Oct 2026 01:38 AM (IST)
vadodara-pm-awas-scam-bjp-leaders-son-kashyap-joshi-arrested

Vadodara PM Awas Scam: વડોદરા શહેરમાં સરકારી યોજનાઓના નામે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી લૂંટારૂ ટોળકીઓ બેફામ બની છે. ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અને દુકાનો અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી તથા તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બોગસ દસ્તાવેજો અને સિક્કાઓથી 63.55 લાખની ઠગાઈ

મળતી માહિતી મુજબ, કશ્યપ જોષી અને તેની ટોળકીએ ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં પીએમ આવાસ યોજનામાં મકાનો અને દુકાનો ફાળવવાની ખોટી લાલચ આપી હતી. આરોપીઓએ વડોદરા મહાનગરપાલિકાના બોગસ દસ્તાવેજો અને સિક્કાઓ તૈયાર કરીને ચાર નાગરિકો પાસેથી રૂ. 63.55 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. લાંબો સમય વિત્યા છતાં દસ્તાવેજ ન કરી આપતાં અને વારંવાર બહાના બતાવતાં ગ્રાહકોને શંકા ગઈ હતી. તપાસ કરતા તમામ કાગળો બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

ગોરવા પોલીસની ત્વરિત કાર્યવાહી: બે આરોપીઓની ધરપકડ

ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પીઆઈ કિરીટ લાઠિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મહાનગરપાલિકાના અધિકારી તરીકે ઓળખ આપનાર કશ્યપ જોષી અને તેના સાગરીત રોહન લક્ષ્મણસિંહ સોલંકીની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રોહન પાસેથી રૂ. 3.50 લાખની રોકડ પણ જપ્ત કરી છે.

અન્ય ત્રણ સાગરીતોના નામો ખુલ્યા

પોલીસ તપાસમાં આ કૌભાંડમાં જીલ બારોટ, અશોક બારોટ અને શુભમ મહાવરના નામો પણ ખુલ્યા છે. જે પૈકી જીલ બારોટ અન્ય એક આવાસ કૌભાંડમાં કપૂરાઈ પોલીસના હસ્તક હોય, તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

'સંદીપ એસ્ટેટ એજન્સી'ના ઓટલેથી ચાલતું હતું કૌભાંડ

તપાસમાં બહાર આવ્યું છે કે કશ્યપ જોષીએ સુભાનપુરામાં 'સંદીપ એસ્ટેટ એજન્સી' નામે ઓફિસ ખોલી પોતે કોર્પોરેશનનો ઉચ્ચ અધિકારી હોવાનો રોફ જમાવી અનેક લોકોને જાળમાં ફસાવ્યા હતા. પોલીસે આ બોગસ સિક્કા ક્યાં બનાવડાવ્યા અને લૂંટેલી રકમ ક્યાં છુપાવી તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.