Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોને કાયદાનો ભય ન હોય એવી એક ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે વાહન ઓવરટેક કરવા જેવી ક્ષુલ્લક બાબતમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક ઘટનામાં કારચાલકોએ એક એક્ટિવા સવાર યુવકને રોડ પર ઢોર માર મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ થયો હતો. અન્ય એક બનાવમાં થાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરી હતી. જે દરમિયાન પોલીસે ચેકિંગ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી
મળતી વિગતો અનુસાર, દાંડિયા બજાર ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક સાથે કારમાં સવાર જૂથને વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારમાં સવાર વિધર્મી યુવકોએ નીચે ઉતરીને અચાનક એક્ટિવા ચાલક પર તૂટી પડી તેને બેફામ માર માર્યો હતો. જાહેર રસ્તા પર જ યુવક પર હુમલો કરવામાં આવતાં તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.
રાહદારીઓએ વચ્ચે પડી યુવકને બચાવ્યો
આ ઘટનાને પગલે ચાર રસ્તા પર ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રાહદારીઓએ વચ્ચે પડી ઈજાગ્રસ્ત યુવકને વધુ મારથી બચાવ્યો હતો અને ત્વરિત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર મારપીટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વડોદરા પોલીસ હરકતમાં આવી હતી. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ તેજ કરી હુમલો કરનાર શખ્સોની અટકાયત કરી લીધી છે અને આ મામલે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોલ્ડન ચોકડી પાસે થાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી, કારમાંથી દારૂનો જથ્થો મળ્યો
વડોદરા શહેરના વ્યસ્ત અને મહત્વના એવા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક મોટી સફળતા મળી છે. શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી એક મહેન્દ્રા થાર ગાડીના ચાલકે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દાદાગીરી તેને ભારે પડી ગઈ છે. હરણી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. થાર ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો, મોટી રકમની રોકડ અને અન્ય સામાન મળી કુલ રૂ. 18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે હરણી પોલીસે ધોળકાના રહેવાસી આરોપી આશિષ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં અલગ-અલગ બ્રાન્ડનો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રોકડ રકમ કોની છે તે અંગે પોલીસે ઘનતર તપાસ શરૂ કરી છે.
