Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકોના પાલડી ગામે આવેલી એક રોલિંગ મિલ કંપનીમાં અકસ્માતે એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે. જેમાં કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં કામકાજ દરમિયાન રોલિંગ મશીન પરથી છટકેલો ગરમ લોખંડનો સળિયો એક શ્રમિકના ગળામાં ઘૂસી જતા તેની સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પાલડી ગામે સ્થાયી થયેલા 34 વર્ષીય નિકેશ વિશ્વકર્મા આર.આર. સ્ટીલ મિલ કંપનીમાં ફરજ બજાવે છે. ગત બપોરે કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં નિયમિત કામગીરી ચાલી રહી હતી.
આ સમયે અન્ય કામદારો સાથે 27 વર્ષીય સુરજ કૈલાશ ભારદ્વાજ પણ કામ પર હાજર હતા. સૂરજ પણ મૂળ ઉત્તર પ્રદેશના રહીશ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, રોલિંગ મશીન પર લોખંડના સળિયાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અચાનક જ એક ગરમ સળિયો જોરદાર ઝાટકાથી છટક્યો હતો. આ સળિયો સીધો જ સૂરજના ગળાના ભાગમાં ઘૂસી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુરજને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે જ ફેક્ટરીમાં સલામતીના માપદંડો પાલન થયા હતા કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
