Gas Cylinder Blast: વડોદરાના ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, રસોઇ બનાવવા ગયેલી મહિલા સહિત 5 દાઝ્યા

Gajrawadi Gas Cylinder Blast: ગાજરાવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં મહિલા જમવાનું બનાવવા માટે રસોડામાં ગઈ હતી. આ દરમિયાન કોઈ કારણોસર ગેસ લીકેજ થવાને કારણે અચાનક ગેસના બોટલમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Nov 2026 12:34 PM (IST)Updated: Fri, 13 Nov 2026 12:34 PM (IST)
vadodara-news-woman-among-five-burnt-in-gajrawadi-gas-cylinder-blast

Vadodara Gas Cylinder Blast: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે. ગેસ બોટલ ફાટતા જ ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેની ઝપેટમાં આવતા રસોઈ બનાવવા ગયેલી મહિલા સહિત કુલ 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રચંડ ધડાકાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ગાજરાવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં મહિલા જમવાનું બનાવવા માટે રસોડામાં ગઈ હતી. આ દરમિયાન કોઈ કારણોસર ગેસ લીકેજ થવાને કારણે અચાનક ગેસના બોટલમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારમાં દૂર સુધી સંભળાયો હતો અને સ્થાનિક રહીશો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

બ્લાસ્ટ થતાની સાથે જ ઘરમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રસોઈ બનાવી રહેલી મહિલા ઉપરાંત ઘરમાં હાજર અન્ય 4 વ્યક્તિઓ પણ આગની લપેટમાં આવી જતા શરીરે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

બનાવની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ લાશ્કરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી આગ આસપાસના અન્ય મકાનોમાં પ્રસરતી અટકી હતી. બીજી તરફ, 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.